Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

અંતે ટ્રમ્પે પરાજય સ્વીકાર્યોઃ સત્તા હસ્તાંતરણને આપી મંજુરી

અમેરિકાની ચૂંટણીના પરિણામો બાદ અત્યાર સુધી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પરાજય સ્વીકારવા તૈયાર નહોતાઃ વિજય માટે તમામ રીતરસમો અપનાવી હતીઃ બધા હથીયારો બુઠા સાબિત થતા હવે હાર સ્વીકારીઃ વહીવટી તંત્રએ બાઈડનને પત્ર લખી સત્તા હસ્તાંતરણની પ્રક્રિયામાં સામેલ થવા આમંત્રણ આપ્યું

વોશિંગ્ટન, તા. ૨૪ :. અમેરિકામાં હાલમાં જ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને પરાજયનો સામનો કરવો પડયો હતો. જો બાઈડનને અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. જો કે ચૂંટણી પુરી થયા બાદ પણ હજુ સુધી અમેરિકામાં ટ્રમ્પ પદ પર કાયમ રહ્યા હતા અને પરાજ્ય સ્વીકારવા તૈયાર નહોતા. પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પે પરાજય સ્વીકારી લીધો છે અને અમેરિકામાં સત્તા હસ્તાંતરણની પ્રક્રિયા શરૂ કરવાને મંજુરી આપી છે.

અમેરિકી ચૂંટણી પુરી થયાના ૩ - ૪ સપ્તાહ બાદ પણ એવુ મનાતુ હતુ કે ટ્રમ્પ ચૂંટણી પરિણામોને પલ્ટી શકે છે. અત્યાર સુધી તેઓ હાર માનવા તૈયાર નહોતા. આ માટે તેમણે પરિણામોને કોર્ટમાં પડકારવાની રણનીતિ ઉપર પણ કામ કર્યુ પરંતુ તે કામ ન આવ્યું. એવામાં હવે ટ્રમ્પ પોતાનો પરાજય સ્વીકારવા તૈયાર થયા છે.

ટ્રમ્પે અમેરિકાના જનરલ સર્વિસ ઓફ એડમિનીસ્ટ્રેશનને સત્તા ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ કરવા મંજુરી આપી છે. ટ્રમ્પે કહ્યુ છે કે જે કરવાનુ હોય તે કરો. તે પછી અમેરિકાની જનરલ સર્વિસ એડમિનીસ્ટ્રેટર એમીલી મર્ફીએ બાઈડનને પત્ર લખ્યો છે અને સત્તા હસ્તાંતરણની પ્રક્રિયામાં સામેલ થવા આમંત્રણ આપ્યુ છે.

અત્રે એ નોંધનીય છે કે ટ્રમ્પે ચૂંટણી પરિણામો આવ્યા બાદ પોતાનો પરાજ્ય સ્વીકાર્યો નહોતો અને વિજય માટે બધી રીત અપનાવી હતી. તેમણે કોર્ટમાં કેસ પણ દાખલ કર્યો, અધિકારીઓ તથા રાજ્યના પ્રતિનિધિઓ પર દબાણ પણ લાવ્યું આવુ કદી નહોતુ થયું.

દરમિયાન મીશીગનની ચૂંટણી એજન્સીએ ભલામણ કરી છે કે ચૂંટણી પરિણામોને આવતા સપ્તાહે નોટીફાઈડ કરી દેવામાં આવે.

(10:39 am IST)