Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

વૈશ્વિક સંકેતોને પગલે સોના -ચાંદીમાં મસમોટા ગાબડાં : સોનામાં 10 ગ્રામે 1200 અને ચાંદીમાં કિલોએ 2000 તૂટ્યા

કોરોના રસીની આશા અને યુએસના આર્થિક આંકડાએ બુલિયનમાં કડાકો

નવી  દિલ્હી : વૈશ્વિક સ્તરે નબળા સંકેતો અને સ્થાનિક સ્તરે  પણ નબળા વલણના લીધે સોના ચાંદીમાં જોરદાર ગાબડાં પડ્યા છે  99.9 કેટેગરીનું સોનું સ્થાનિક સ્તરે ગઈકાલની તુલનાએ પ્રતિ દસ ગ્રામે 1,200 રૂપિયા ઘટ્યુ હતુ. ગઇકાલના 52,400ની સામે આજે સોનું 51,200 પર બંધ આવ્યું હતું. જ્યારે 99.5 કેટેગરીવાળુ સોનું પણ તેટલા જ પ્રમાણમાં ઘટીને 51,700-52,200 થયું છે. આ ઉપરાંત હોલમાર્કવાળા સોનાનો ભાવ 51,350 થયો છે.

ચાંદી પણ જોઈએ તો ચાંદી ચોરસામાં બે હજાર રૂપિયાનો ઘટાડો થયો છે. ગઈકાલના 62,500ના ભાવ સામે ચાંદી ચોરસાનો આજનો ભાવ પ્રતિ કિલો 59,500-60,500 થયો હતો. ચાંદી રૂપુનો ભા 59,300-60,300 થયો હતો. જૂના સિક્કાનોભાવ 575-775 થયો હતો.દેશની રાષ્ટ્રીય રાજધાનીમાં પણ નબળા વૈશ્વિક સંકેતોના પગલે સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે 1,049 રૂપિયા ઘટીને 48,569 થયો હતો. જ્યારે અગાઉના ટ્રેડમાં તેનો ભાવ 49,618 પર બંધ આવ્યો હતો

જ્યારે ચાંદીનોભાવ પણ વેચવાલીના દબાણના લીધે પ્રતિ કિલો 1,588 ઘટીને 59,301 રૂપિયા થયો હતો, જે ગઇકાલે 60,889 પર બંધ આવ્યો હતો.આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ 1,830 ડોલર જેટલો નીચો હતો અને ચાંદીનો ભાવ પ્રતિ ઔંસ 23.42 ડોલર જેટલો સ્થિર હતો.કોરોનાની રસી અમેરિકામાં 11મી ડિસેમ્બરે આવી જવાની છે અને બીજા દેશોમાં આગામી વર્ષથી આવી જશે તે આશાએ અને ટ્રમ્પે તેનું અક્કડ વલણ છોડતા બિડેન દ્વારા રાષ્ટ્રપતિ પદ સંભાળવાનો માર્ગ મોકળો થતા સોનાના ભાવ દિવસના પ્રારંભથી જ ઘટ્યા હતા.

સોનાના ભાવમાં ઘટાડાનું વધુ એક કારણ અમેરિકાની બિઝનેસ એક્ટિવિટીના અપેક્ષા કરતાં સારા આંકડા હતા અને કોવિડ-19ની રસીના લીધે આર્થિક નવસંચાર સુગમતાપૂર્વક થશે તે આશાએ રોકાણકારો ઇક્વિટીમાં રોકાણ કરવા તરફ વળ્યા હતા

(8:03 pm IST)