Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

ભારતમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી પાછળ નવા વર્ષે 81.9 અબજ ડોલર ખર્ચ થવાનો અંદાજ ગાર્ટનર

2020માં ઉપકરણ અને ડેટા સેન્ટર કેટેગરીમાં સૌથી વધુ ઘટાડો

નવી દિલ્હી: દેશમાં ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઇટી) ઉત્પાદનો અને સેવાઓ પરના ખર્ચમાં વર્ષ 2020માં વાર્ષિક છ ટકા વધીને 81.9 અબજ ડોલર થવાનો અંદાજ છે. રિસર્ચ કંપની ગાર્ટનર દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, તેનું મુખ્ય કારણ વ્યવસાયિક સોફ્ટવેર અને આઇટી સેવાઓનો વધારો છે. અહેવાલમાં 2020માં આઇટી પર દેશનો ખર્ચ 79.3 અબજ ડોલર થવાનો અંદાજ છે. આ 2019ના સ્તરથી 8.4 ટકા નીચે છે.

ગાર્ટનર રિસર્ચના વાઇસ પ્રેસિડેન્ટ અરૂપ રોયે જણાવ્યું હતું કે, કોવિડ -19ને કારણે બજારમાં અચોક્કસ પરિસ્થિતિઓ અને રોકડ પ્રવાહના ઘટાડાને કારણે ભારતીય સંસ્થાઓના ઘણા ડિજિટલ પ્રોજેક્ટ્સ પાછળ રહી ગયા છે. તેમણે કહ્યું કે જે કંપનીઓ મહામારી પહેલા ડિજિટલી તૈયાર હતી તેની અસરને સીમિત કરવામાં સફળ રહી. રોયે કહ્યું કે, મહામારીની આ સ્થિતિ ઘણી સંસ્થાઓને નિંદ્રામાંથી જાગૃત કરવાની છે. જેથી તે તેના આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યૂહરચનાને મજબૂત બનાવી શકે અને 2021માં આઇટી પર તેના ખર્ચમાં વધારો કરી શકે. વર્ષ 2020માં ઉપકરણ અને ડેટા સેન્ટર કેટેગરીમાં સૌથી વધુ ઘટાડો થયો. જે અનુક્રમે 26 ટકા અને 1.2 ટકા ઘટવાનો અંદાજ છે.

બિઝનેસ સોફ્ટવેર, આઇટી સેવાઓ અને સંદેશાવ્યવહાર સેવાઓ પરના ખર્ચમાં અનુક્રમે સાત ટકા, 3.7 ટકા અને 9.9 ટકાનો વધારો થવાની ધારણા છે. અહેવાલમાં જણાવાયું છે કે 2021માં કંપનીઓ અને ઉદ્યોગોના અગ્રણી અધિકારીઓ આઇટી પર વધુ ખર્ચ કરે તેવી સંભાવના છે. 'ડિજિટલ ઇન્ડિયા' મિશન તમામ ક્ષેત્રો માટે 2021માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેનાથી આઇટી પર ખર્ચ વધવાની પણ અપેક્ષા છે.

(10:57 pm IST)