Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

ટૂથબ્રશ, લુડો, અનાનસ, તરબુચ, સફરજન જેવા ફળ તો કેપ્‍સીકમની પણ ચૂંટણી ચિહ્ન તરીકે પસંદગી

અપક્ષ ઉમેદવારોએ રસપ્રદ ચિહ્નોની પસંદગી કરી

નવી દિલ્‍હી,તા. ૨૪ : અમદાવાદની ૨૧ વિધાનસભા બેઠક પર ૨૪૯ ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે, ત્‍યારે મુખ્‍ય પક્ષો ઉપરાંત પ્રાદેશિક પક્ષો અને અપક્ષ ઉમેદવારો પણ મોટી સંખ્‍યામાં નોંધાયા છે. ચૂંટણી અધિકારી દ્વારા આવા અપક્ષ ઉમેદવારોને વિવિધ ચૂંટણી ચિહ્નોની ફાળવણી કરી છે, જેમાં અમુક ઉમેદવારોએ ખૂબ જ રસપ્રદ ચિહ્નો પર પસંદગી ઉતારી છે. અપક્ષ ઉમેદવારો ટૂથબ્રશ, લુડો, કેપ્‍સીકમ, ડીઝલ પંપ, ફોન ચાર્જર જેવા ચિહ્નો હેઠળ જંગ જીતવા માટે મેદાનમાં ઉતર્યા છે.

ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયેલા ચિહ્નોમાંથી ઉમેદવારો દ્વારા ચિહ્નોની પસંદગી કરવાની હોય છે. જેમાં અમુક ઉમેદવારોએ ખૂબ જ રસપ્રદ ચિહ્નો પસંદ કર્યા છે. હાલમાં યુવાનોમાં લુડો ગેમને ખૂબ જ ક્રેઝ જોવા મળે છે ત્‍યારે અમરાઈવાડીના એક અપક્ષ ઉમેદવારે લુડોને પોતાના ચૂંટણી ચિહ્ન તરીકે પસંદ કર્યો છે. ઉલ્લેખનીય છે, ચૂંટણી પંચે નક્કી કરેલા ૧૯૭ ચૂંટણી ચિહ્ન પૈકીની કોઇ એકની પસંદગી ઉમેદવારે કરવાની હોય છે

અમદાવાદની ૨૧ બેઠકો પર ૫ ડિસેમ્‍બરે મતદાન થવાનું છે. મતદાનને લઈને ઉમેદવારોએ પોતાનો ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ કરી દીધો છે. આ ચૂંટણી જંગમાં રાષ્ટ્રીય પક્ષો સાથે પ્રાદેશિક પક્ષો પણ મેદાનમાં છે. ઉપરાંત અપક્ષ ઉમેદવારો પણ મોટી સંખ્‍યામાં ઉમેદવારી કરી રહ્યા છે. અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી માટે નક્કી કરેલા ચિહ્નોમાંથી ચિહ્ન પસંદ કરવાનું હોય છે. અપક્ષ ઉમેદવારોએ તરબુચ, અનાનસ, સફરજન જેવા ફળની તો કેપ્‍સીકમની પણ ચૂંટણી ચિહ્ન તરીકે પસંદગી કરી છે. આ ઉપરાંત અલમારી, કાતર, વાંસળી, ટૂથબ્રશ, ફોન ચાર્જર, ગ્‍લાસ ટમલર, કાચનો પ્‍યાલો, સ્‍ટેથોસ્‍કોપ જેવા ચિહ્નો પર પણ ઉમેદવારોએ પસંદગી ઉતારી છે. અમુક ઉમેદવારોએ ખર્ચને ધ્‍યાનમાં રાખીને પણ પોતાના ચિહ્નો પસંદ કર્યા છે.

પ્રાદેશિક પક્ષો ઉપરાંત અપક્ષ ઉમેદવાર આ વખતે જુદાજુદા ચિહ્નો સાથે ચૂંટણી લડશે. જેમાં શેરડી, ખેડૂત, ઘડો, રોડ રોલર, તરબુચ, બેટ્‍સમેન, સોફા, સીસીટીવી કેમેરા, કીટલી, ક્રેન, ડોલ, ગેસ સિલિન્‍ડર, ગેસ સ્‍ટવ, પ્રેશર કુકર, ઓટોરિક્ષા, બેટરી-ટોર્ચ, માચીસ પેટી, કેપ્‍સીકમ, સીટી, સફરજન, સાંકળ, ડીઝલ પંપ, હેલિકોપ્‍ટર, પેટી, કાતર, વાંસળી, હોકી અને દડો, ટૂથબ્રશ, સિવવાનો સંચો, ફોન ચાર્જર, કમ્‍પ્‍યુટર, લેટર બોક્‍સ, ગ્‍લાસ ટમલર, હેલ્‍મેટ, કાચનો પ્‍યાલો, ટ્‍યૂબલાઈટ, અલમારી, સ્‍ટેથોસ્‍કોપ, એર કન્‍ડિશન, બલૂન, બકેટ, લેપટોપ, બેટ, બેલ્‍ટ, બાયનોક્‍યુલર્સ, બિસ્‍કિટ, બ્‍લેક બોર્ડ, બ્રિફકેસ, રબર સ્‍ટેમ્‍પ, તુરાઈ વગાડતો માણસ, લુડો, ફૂટબોલ ખેલાડી, કેમેરા, અનાનસ, ખાટલો, ડાયમંડ, ચેસબોર્ડ, સાત કિરણો સાથે કલમની ટાંક, મેજ, ભાલા ફેંક અને દાંતી જેવા ચિહ્નો પસંદ કર્યા છે.

(10:17 am IST)