Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

પાકિસ્‍તાનની નાલાયકીનો પર્દાફાશ : ભારત ઉપર કરવો'તો પરમાણુ હુમલો

અમેરિકાના પૂર્વ વિદેશમંત્રીનો ધડાકો : સર્જિકલ સ્‍ટ્રાઇક બાદ પાકિસ્‍તાન ભારત ઉપર પરમાણુ હુમલો કરવાની તૈયારીમાં હતું : ભારત પણ પાકિસ્‍તાનના ગાભા-છોતરા કાઢી નાખવા તૈયાર હતું : અમેરિકાએ બંને દેશોને માંડ-માંડ શાંત પાડયા હતા

નવી દિલ્‍હી તા. ૨૫ : અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી માઈક પોમ્‍પિયોએ સર્જિકલ સ્‍ટ્રાઈક પછીના ઘટનાક્રમને લઈને મોટો દાવો કર્યો છે. પોમ્‍પિયોએ કહ્યું કે તત્‍કાલિન વિદેશ મંત્રી સુષ્‍મા સ્‍વરાજે તેમને કહ્યું હતું કે ફેબ્રુઆરી ૨૦૧૯માં બાલાકોટ સર્જિકલ સ્‍ટ્રાઈકને પગલે પાકિસ્‍તાન પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું છે અને ભારત તેનો જવાબ તૈયાર કરી રહ્યું છે. પોમ્‍પીઓએ તેમના નવા પુસ્‍તક, નેવર ગિવ એન ઈંચઃ ફાઈટીંગ ફોર ધ અમેરિકા આઈ લવમાં લખ્‍યું છે, જે મંગળવારે બજારમાં આવી હતી. તેમણે લખ્‍યું છે કે આ ઘટના ત્‍યારે બની જયારે તેઓ ૨૭-૨૮ ફેબ્રુઆરીના રોજ યુએસ-નોર્થ કોરિયા સમિટ માટે હનોઈમાં હતા. તેમની ટીમે આખી રાત ભારત અને પાકિસ્‍તાન બંને સાથે સંકટને દૂર કરવા માટે કામ કર્યું.

પોમ્‍પિયો પોતાના પુસ્‍તકમાં લખે છે, ‘મને નથી લાગતું કે દુનિયા બરાબર જાણે છે કે ભારત-પાકિસ્‍તાનની દુશ્‍મનાવટ ફેબ્રુઆરી ૨૦૧૯માં પરમાણુ હુમલા સુધી કેટલી નજીક આવી હતી. સત્‍ય એ છે કે મને ચોક્કસ જવાબ પણ ખબર નથી, હું માત્ર એટલું જાણું છું કે તે ખૂબ નજીક હતું.' નોંધનીય છે કે ફેબ્રુઆરી ૨૦૧૯માં ભારતીય યુદ્ધ વિમાનોએ પાકિસ્‍તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્‍મદના આતંકવાદી પ્રશિક્ષણ કેમ્‍પને નષ્ટ કરી દીધો હતો. આ કાર્યવાહી પુલવામા આતંકી હુમલામાં સેન્‍ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના ૪૦ જવાનોની શહાદતના જવાબમાં કરવામાં આવી છે.

માઇક પોમ્‍પિયોએ કહ્યું કે તે તે રાત ક્‍યારેય નહીં ભૂલી શકે. તેમણે લખ્‍યું, ‘હું એ રાત ક્‍યારેય નહીં ભૂલી શકું જયારે હું વિયેતનામના હનોઈમાં હતો. પરમાણુ શસ્ત્રો પર ઉત્તર કોરિયાના લોકો સાથે વાટાઘાટો કરવા માટે તે પૂરતું ન હતું. જેમ કે, ભારત અને પાકિસ્‍તાને ઉત્તરીય સરહદ પર કાશ્‍મીર ક્ષેત્ર પર દાયકાઓથી ચાલી રહેલા વિવાદના સંદર્ભમાં એકબીજાને ધમકીઓ આપવાનું શરૂ કર્યું.'

પૂર્વ વિદેશ મંત્રીએ લખ્‍યું, ‘હું હનોઈમાં મારા ભારતીય સમકક્ષ સાથે વાત કરવા માટે જાગી ગયો. તેમનું માનવું હતું કે પાકિસ્‍તાનીઓએ હુમલા માટે તેમના પરમાણુ હથિયારો તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. તેમણે મને જણાવ્‍યું કે ભારત તેના જવાબ પર વિચાર કરી રહ્યું છે. મેં તેમને કંઈ ન કરવા કહ્યું અને અમને બધું ઠીક કરવા માટે થોડો સમય આપો.'

(10:41 am IST)