Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

'ઉત્તર-દક્ષિણ' રાજકારણમાં ભેખડે ભરાયા રાહુલ

રાહુલનાં નિવેદનથી વિવાદઃ કોંગ્રેસમાં આંતરિક ભૂકંપ

કોંગ્રેસી નેતાઓ બે ભાગમાં વ્હેચાયાઃ નિવેદન મામલે સ્પષ્ટતા કરવા કપિલ સિબ્બલની માંગણી : રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેમને દક્ષિણ ભારત આવીને અનુભવ થયો કે, અહીંના લોકો મુદ્દામાં રસ રાખે છે. : ભાજપે રાહુલ ગાંધીના નિવેદનને દેશના ભાગલા પાડવાનો પ્રયાસ જણાવ્યો : કોંગ્રેસ ઉત્તર અને દક્ષિણ ભારતમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરતો હોવાના ભાજપના આરોપને સિબ્બલે હાસ્યાસ્પદ જણાવ્યો.

નવી દિલ્હી, તા.૨૫: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાના ઉત્તર-દક્ષિણ બયાનને લઇને ચારે બાજુથી ઘેરાતા જાય છે. કેરળમાં પોતાના મત વિસ્તાર વાયનાડના પ્રવાસે ગયેલ રાહુલ ગાંધીના બયાન ઉપર ભાજપા હુમલો કરે છે, તો કોંગ્રેસ તેનો બચાવ કરી રહી છે. જો કે કોંગ્રેસના નેતાઓ બે ભાગમાં વહેંચાયેલા દેખાઇ રહ્યા છે. કોંગ્રેસના જી.૨૩ના રાજય નેતાઓ, જેમણે પક્ષમાં સુધારાઓ માટે સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો, તેમણે કથિત રીતે કહ્યું છે કે રાહુલ ગાંધીએ પોતાના બચાવ પર સ્પષ્ટતા કરવી જોઇએ. કપિલ સિબ્બલ અને આનંદ શર્મા જેવા કોંગ્રેસના સીનીયર નેતાઓએ કહ્યું છે કે રાહુલ ગાંધી જ આ બાબતે સ્પષ્ટતા કરી શકે છે, તો અન્ય કોંગ્રેસી નેતાઓએ રાહુલના બયાનનો બચાવ કર્યો છે.

આનંદ શર્માએ મીડીયા સાથે વાત કરતા કહ્યું કે કોંગ્રેસના મહાન નેતાઓ સંજય ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, કેપ્ટન સતીશ શર્માથી રાહુલ ગાંધી જેવા કોંગ્રેસના નેતાઓને ચુંટવા બદલ પક્ષ અમેઠીના લોકોનો આભારી છે. રાજયસભામાં પક્ષના ઉપનેતા આનંદ શર્માએ કહ્યું કે રાહુલ ગાંધીએ પોતાના કોઇ અનુભવના આધારે આ ટીપ્પણી કરી હશે, મને તેમાં કોઇ ક્ષેત્રના અપમાનની વાત નથી દેખાતી. જો કે રાહુલ ગાંધી જ આનું સ્પષ્ટીકરણ કરી શકે. કોંગ્રેસે દેશને એક જ ગણ્યો છે, અમે કયારેય ક્ષેત્ર, ભાષા અને ધર્મના આધારે લકરી નથી ખેંચી.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉત્ત્।ર અને દક્ષિણ ભારતને લઈને આપેલા નિવેદન પર તેમની જ પાર્ટીના સીનિયર નેતા કપિલ સિબલે કહ્યું કે, મતદાતા ગમે ત્યાંનો હોય, તેનું સન્માન કરવું જોઈએ. તેમણે કહ્યું કે, દેશના મતદાતાઓની સમજનું સન્માન કરવું જોઈએ, પછી ભલે તે ગમે ત્યાંનો હોય.

સિબલે કહ્યું કે, 'તેમણે જે કહ્યું, તેના પર ટિપ્પણી કરનારો હું કોણ છું. તેમણે કહ્યું છે અને તેઓ જ એ વાત જણાવી શકે છે કે તેમણે કયા સંદર્ભમાં કહ્યું... આપણે દેશના મતદાતાઓનું સન્માન કરવું જોઈએ અને તેમની સમજદારીને બદનામ ન કરવી જોઈએ.'

રાહુલ ગાંધીના નિવેદનને ભાજપે ભાગલા પાડનારું જણાવી રહી છે. તેના પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, 'ભાજપનું એ કહેવું હાસ્યાસ્પદ છે કે કોંગ્રેસ દેશના ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહી છે. આ એ સરકાર છે, જે ૨૦૧૪માં સત્તામાં આવ્યા બાદથી જ લોકોમાં ભાગલા પાડી રહી છે.'

હકીકતમાં, તિરુવનંતપુરમમાં મંગળવારે એક સભાને સંબોધિત કરતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ગાંધીએ કહ્યું કે, 'પહેલા ૧૫ વર્ષો માટે હું ઉત્તર (ભારત)થી એક સાંસદ હતો. મને એક અલગ પ્રકારની રાજનીતિની આદત થઈ ગઈ હતી. કેરળ આવવા પર મને અલગ પ્રકારનો અનુભવ થયો, કેમકે મેં અચાનક જોયું કે, લોકો મુદ્દામાં રસ રાખે છે અને માત્ર ઉપરથી જ નહીં પરંતુ મુદ્દાના વિસ્તારમાં જાય છે.'

રાહુલ ગાંધીના આ નિવેદન પર તેમણે અમેઠીમાં હરાવનારા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ હુમલો કરતા તેમણે કોંગ્રેસના નેતાને 'અહેસાન ફરામોશ' સુધ્ધાં પણ કહી દીધા.

(10:20 am IST)