Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

૧૩ જગ્યા માટે ૨૭,૦૦૦ અરજી

હાય રે બેકારી ... ૮મું પાસ પટ્ટાવાળાની નોકરી માટે પહોંચ્યા હજારો બીટેક -એમટેક પાસ યુવાનો

નવી દિલ્હી,તા.૨૫: દેશ ભરમાં યુવાનો માટે રોજગાર મોટો પ્રશ્ન બની ગયો છે. કોરોનાને કારણે અનેક વેપાર ધંધા બંધ થઈ ગયા છે આ ઉપરાંત મોંદ્યવારીના મારને કારણે અનેક લોકોની સ્થિતિ કફોડી બની છે. યુવાનો નોકરી માટે સંદ્યર્ષ કરી રહ્યા છે તેનો અંદાજ તમે નોકરી માટે કેટલી પડાપડી થઈ રહી છે તેના પરથી જ લગાવી શકો છો. હરિયાણામાં પાનીપત કોર્ટમાં પ્યૂન માટે ૧૩ જગ્યા નીકળી હતી. ૧૩ પદ માટે ૨૭ હજાર યુવા ઈન્ટરવ્યુ આપવા પહોંચ્યા હતા. બીજી ચોંકાવનારી બાબતએ પણ છે કે ૮ ધોરણ પાસની પ્યૂનની સરકારી નોકરી માટે હજારો બીટેક, એમટેકના યુવકોએ અરજી કરી હતી.

હકીકતમાં હરિયાણામાં પાનીપત કોર્ટમાં પ્યૂન માટે ૧૩ જગ્યા નીકળી હતી. ૧૩ પદ માટે ૨૭ હજાર યુવા ઈન્ટરવ્યુ આપવા પહોંચ્યા હતા, એટલે કે એક પદ માટે એવરેજ ૨૦૭૬ યુવકો સંઘર્ષ કરવા પહોંચ્યા હતા. દેશમાં દર વર્ષે ૧૫ લાખ યુવકો એન્જિનિયરની ડીગ્રી મેળવે છે, પરંતુ દાવો છે કે ૨.૫ લાખ લોકોને જ યોગ્ય નોકરી મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ છેલ્લા ઘણા મહિનાઓથી સરકારી નોકરીઓની ભરતી અટવાયેલી છે. જેમ જ ભરતીની પ્રક્રિયા શરૂ કરવા માટે યુવાનો માંગણી પણ કરી રહ્યા છે. આ પહેલા લોકડાઉન બાદ ગાંધીનગરમાં કોન્સ્ટેબલની ભરતી માટે ઘણા દિવસો સુધી યુવાનોએ આંદોલન પણ કર્યું હતું.

(10:23 am IST)