Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

ઇરાનમાં જેલમાં મહિલાના મૃતદેહને પણ આપવામાં આવી ફાંસી !

પુરુષોને ફાંસી આપવાની ઘટનાને જોવા માટે ઝહરાને મજબૂર કરાઈ : મહિલાના પતિની માતાને ખુશ કરવા તેના મૃતદેહને લટકાવાયો ફાંસી પર : ઈરાનની રાજધાની તેહરાનથી ૩૨ કિમી દૂર સ્થિત જેલમાં ઝહરા અને ૧૬ પુરુષોને અપાઈ ફાંસી

તહેરાન,તા. ૨૫: ઈરાનમાં એક મહિલાને ફાંસી આપવાની હતી પરંતુ ફાંસી પહેલા જ તેને હાર્ટ એટેક આવી ગયો અને તેનું અવસાન થઈ ગયું. જોકે, આ મહિલાના મૃતદેહને પહેલા તો લટકાવવામાં આવ્યો હતો અને પછી તેને ફાંસી આપવામાં આવી હતી. ઈરાનમાં મૃતદેહને ફાંસી આપવા પાછળ કટ્ટર શરિયા કાયદો છે. વકીલે એવું જણાવ્યુ હતું કે, ઝહરાની સાસુ તેને જે જગ્યાએ લટકાવવામાં આવી છે તે જગ્યા પરની ખુરશીને લાત મારવાના અધિકારને પૂરો કરી શકે તે માટે આમ કરવામાં આવે.

એક રિપોર્ટ અનુસાર, કોર્ટે ઝહરા ઈસ્માઈલી નામની મહિલાને પોતાના પતિ અલીરેઝા જમાનીની હત્યા માટે દોષી ઠેરવી હતી. ઈરાનની કોર્ટે તેને ફાંસીની સજા સંભળાવી હતી. ઝહરા ઈસ્માઈલીના વકીલ ઓમિદ મુરાદીએ જણાવ્યું કે, મહિલાના પતિની માતાને ખુશ કરવા માટે તેના મૃતદેહને ફાંસી પર લટકાવવામાં આવ્યું હતું. વકીલે એ પણ કહ્યું કે ઝહરાનો પતિ દુર્વ્યવહાર કરતો હતો અને મહિલાએ પોતાના અને દીકરીના બચાવ માટે દ્યટનાને અંજામ આપ્યો હતો. વકીલે જણાવ્યું કે ઝહરાના પતિ ઈરાનના ગુપ્તચર મંત્રાલયમાં કામ કરતો હતો.

વકીલે એ પણ કહ્યું કે, ઝહરાને ફાંસી આપવા માટે લાઈનમાં ઉભી રાખવામાં આવી અને તેની આગળ ફાંસીની સજા આપવા માટે ૧૬ પુરુષ હતાં. પુરુષોને ફાંસી આપવાની દ્યટનાને જોવા માટે ઝહરાને મજબૂર કરવામાં આવી. આ કારણે જ તેને હાર્ટ એટેક આવ્યો હતો અને તે તેની જગ્યા પર જ ઢળી પડી હતી

એક રિપોર્ટ અનુસાર ઈરાનની રાજધાની તેહરાનથી ૩૨ કિમી દૂર સ્થિત એક જેલમાં ઝહરા અને ૧૬ પુરુષોને ફાંસી આપવામાં આવી હતી. વકીલે કહ્યું કે, ઝહરાના મૃતદેહને ફાંસી પર લટકાવવામાં આવ્યો જેથી તેના પતિની માતા, ઝહરાના મૃતદેહ નીચે રાખવામાં આવેલી ખુરશીને પગ મારી શકે. નોંધનીય છે કે, દુનિયામાં સૌથી વધારે ફાંસીની સજા આપવામાં ઈરાન, ચીન પછી બીજા નંબર પર છે.

(10:26 am IST)