Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

સરહદે શાંતિ જાળવવા ભારત- પાકિસ્તાન વચ્ચે સમજૂતી

LAC બાદ LOC પર શાંતિની પહેલ : ભારત - પાક. DGMO વચ્ચે હોટલાઇન મંત્રણા : ચીન સરહદે સ્થિતિ સુધરતા 'સીધી લાઇન' પર આવ્યું પાક. : બંને દેશનું સૈન્ય તમામ સમજુતીઓ અને યુધ્ધવિરામનું કડકાઇથી પાલન કરવા પણ સંમત

નવી દિલ્હી તા. ૨૫ : ભારત અને પાકિસ્તાનના મિલિટ્રી ઓપરેશન્સના ડાયરેકટર જનરલે હોટલાઇન દ્વારા એકબીજા સાથે વાતચીત કરી. બંને પક્ષોમાં સરહદે શાંતિ જાળવવા અંગેની સંમતિ બની છે. સરહદે હાલની સ્થિતિની સમીક્ષા કરીને બંને પક્ષની સેનાઓએ કરાશે, યુધ્ધ વિરામનું કડકથી પાલન માટે સંમતિ વ્યકત કરવામાં આવી તે ૨૪-૨૫ ફેબ્રુઆરીની મધ્યરાત્રીથી પ્રભાવી છે. આ રીતે એલએસી બાદ એલઓસી પર શાંતિની પહેલ થઇ રહી છે.

પૂર્વ લદ્દાખમાં ચીન બોર્ડર પર શાંતિ કરારની પ્રક્રિયા પૂરી થઇ રહી છે તો બીજી બાજુ પાકિસ્તાને પણ નરમ વલણ દાખવ્યું છે. ભારત અને પાકિસ્તાનના ડાયરેકટર વચ્ચે હોટલાઇન પર વાતચીત થઇ બંને દેશો વચ્ચે આ વાત પર પણ સહમિત બની કે જો કોઇ ગેરસમજણ થાય છે. પહેલાથી હાજર હોટલાઇન કોન્ટેકટ અને બોર્ડર ફલેગ મીટીંગ્સવાળી સિસ્ટમનો ઉપયોગ થશે.  LAC પર શાંતિ માટે થઈ રહેલા પ્રયાસોની વચ્ચે LOC પર પણ હલચલ વધી છે. ભારત અને ચીન વચ્ચે શાંતિની શરૂઆત બાદ પાકિસ્તાને પણ પોતાનું વલણ બદલ્યું છે. ભારત અને પાકિસ્તાનના ડાયરેકટર જનરલ્સ ઓફ મિલીટરી ઓપરેશન (DGMO) વચ્ચે હોટલાઇન પર વાત થઈ છે.

એક સંયુકત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશોએ વિવિધ સંધિઓ અને સંઘર્ષ વિરામના નિયમોનું પાલન કરવા માટે સહમતી દર્શાવી છે. આ સહમતી ૨૪-૨૫ ફેબ્રુઆરી મધ્ય રાત્રિથી લાગુ કરવામાં આવશે. બંને દેશો વચ્ચે આ સમજૂતી પર કોઈ અડચણ આવે તો હોટલાઇન કોન્ટેકટ અથવા બોર્ડર ફલેગ મિટિંગ કરવામાં આવશે.

સંયુકત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશના DGMOએ નિયંત્રણ રેખાની સમીક્ષા કરી છે તથા વાતચીત સારા માહોલમાં થઈ છે. બંને દેશો વચ્ચે નક્કી કરવામાં આવ્યું છે કે બંને દેશ શાંતિભંગ થાય તેવા મુદ્દા સામે એકશન લેશે. ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિ જાળવવા માટે વાતચીતનું પગલું ભરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે ગયા વર્ષે મે મહિનામાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી અને તે બાદથી જ મહિનાઓ સુધી બંને દેશ વચ્ચે વિવાદ યથાવત રહ્યો. જોકે હવે છેલ્લા ઘણા દિવસમાં આ વિવાદ પર સમાધાન માટે બંને દેશ આગળ આવ્યા છે અને સેનાઓ હવે ધીમે ધીમે પાછળ હટી રહી છે. ભારત અને ચીન વચ્ચે થયેલી આ શરૂઆતની વચ્ચે હવે પાકિસ્તાન સાથે પણ શાંતિ માટેના પ્રયાસ ચાલુ કરી દેવામાં આવ્યા છે.

ભારત અને ચીન વચ્ચે ગયા વર્ષે એપ્રિલ - મે થી તણાવ યથાવત હતો. પૂર્વી લદ્દાખમાં અનેક સ્થળો પર બંને દેશની સેનાઓ આમને-સામને હતી. બીજી બાજુ પાકિસ્તાન તરફથી પણ સતત સીઝફાયરનું ઉલ્લંઘન થઇ રહ્યું હતું. એવામાં એ વાતની સંભાવના વ્યકત કરવામાં આવી હતી કે ભારતને બંને મોરચા પર યુધ્ધનો સામનો કરવો પડશે. સેના તેના માટે પણ તૈયાર હતી.

(3:08 pm IST)