Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

તેઅો કોઇ દિવસ દેશનું નામ પણ બદલી નાખશેઃ મમતા બેનર્જીના વડાપ્રધાન અને ગૃહમંત્રી સામે પ્રહારોઃ પેટ્રોલ-ડિઝલના ભાવવધારાના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી ઇલેકટ્રીક સ્કુટરમાં સચિવાલય પહોîચ્યા

કોલકાતાઃ  પેટ્રોલ-ડીઝલના ભાવોમાં થઇ રહેલા વધારાનો મમતા બેનરજીએ નવતર વિરોધ કર્યો. તેઓ વિરોધ કરવા માટે ઇલેક્ટ્રિક સ્કૂટી પર પર બેસી સચિવાલય પહોંચ્યાં હતાં. પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી કેન્દ્ર સામે વિરોધ નોંધાવવા માટે બુધવારે રોડ પર ઉતરી આવ્યા હતાં.

ગળામાં મોંઘવારી અંગેના પોસ્ટરો હારની જેમ પહેર્યા

મમતા બેનરજી કોલકાતાના મેયર ફિરહાદ હકીમની ઇ-સ્કૂટી પર પાછળ બેઠાં હતાં. તેમણે ગળામાં મોંઘવારીના પોસ્ટર લગાવી રાખ્યા હતા. તેમણે હરિશ ચેટરજી સ્ટ્રીટથી લઇ રાજ્ય સચિવાલય નબન્ના સુધી ઇ-બાઇક રેલી યોજી હતી.

સચિવાલય પહોંચ્યા બાદ મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે નોટબંધી, પેટ્રોલ-ડીઝલ અને કોલસાના વધતા ભાવોને કારણે દેશ બેકફૂટ પર જઇ રહ્યો છે. તેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જવાબદાર છે. તેઓ નેતાજી અને સરદાર વલ્લભભાઇ પટેલના નામે બનેલા સ્ટેડિયમના નામ બદલી રહ્યા છે. બહુ દુઃખની વાત છે. તેઓ કોઇ દિવસ દેશનું નામ પણ બદલી શકે છે.

કેન્દ્ર ચૂંટણીઓ આવે ત્યારે ભાવ ઘટાડે છેઃ મમતા

તૃણમુલ અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ ભાજપ નેતૃત્વની કેન્દ્ર સરકારને નિશાન સાધતા કહ્યું કે ભાજપ દર રોજ રાંધણ ગેસ અને ડીઝલના ભાવો વધારી રહ્યો છે. જે ચિંતાનો વિષય છે. હાં માત્ર થોડા દિવસો માટે જ્યારે ચૂંટણી હોય, ત્યારે કેન્દ્ર સરકાર ભાવો ઘટાડે છે.

નોંધનીય છે કે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. ઘણા શહેરોમાં તો પેટ્રોલ રૂપિયા 100ને પાર પહોંચી ગયું છે. આજે કોલકાતામાં પેટ્રોલની કિંમત 91.12 રુપિયા અને ડીઝલની કિંમત 84.19 રૂપિયા છે. પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા સામે સમગ્ર દેશમાં અવજા ઊઠી રહ્યો છે. પરંતુ કેન્દ્ર સરકાર પર તેની કોઇ અસર પડી રહી નથી.

તેમા ગુજરાતની 6 મનપા ચૂંટણીઓના આવેલા પરિણામો બાદ તો મોદી સરકારના મગજમાં વધુ રાઇ ભરાઇ ગઇ હોવાનું લોકોનું માનવું છે. તેમના મતે ભાજપ સરકારો ગમે તે નિર્ણયો લેશે તો પણ મતદારો વોટ તો તેને જ આપવાના.

છેલ્લા 13 દિવસમાં પેટ્રોલ-ડીઝલ 3.50 રુપિયા કરતા વધુ મોંઘા થયા

છેલ્લા 13 દિવસમાં જ પેટ્રોલમાં 3.63 રૂપિયા અને ડીઝલમાં 3.84 રૂપિયાનો વધારો થઇ ગયો. પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય અને રાજસ્થાન સરકારોએ થોડો વેટ ઘટાડી નાગરિકોને રાહત આપી છે. પરંતુ કેન્દ્ર તરફથી સ્પષ્ટ ન પાડી દેવામાં આવી છે.

(4:59 pm IST)