Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

વિધાન પરિષદમાં હોબાળો:યોગી આક્રમકઃકહ્યું- બહુ ગરમી ન બતાવશો, બધાના પેટનો દુખાવો મને મટાડતા આવડે છે

મુખ્યમંત્રી શબ્દો પાછા ખેંચે એવી માગણી પણ સમાજવાદી પાર્ટીએ કરી

લખનૌ : ઉત્તર  પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાન પરિષદમાં હોબાળો મચાવી રહેલા સપાના સભ્યોને આક્રમક અંદાજમાં કહ્યું હતું કે બહુ ગરમી ન બતાવશો, બધાના પેટનો દુખાવો મને મટાડતા આવડે છે.
બજેટના સંદર્ભમાં વિધાન પરિષદમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલના અભિભાષણ અંગે બોલી રહ્યા હતા. એ વખતે તેમણે સમાજવાદી પાર્ટીની અગાઉની સરકારની ટીકા કરી હતી. એ ટીકાનો સમાજવાદી પાર્ટીના સભ્યોએ ભારે વિરોધ કર્યો હતો. મુખ્યમંત્રી શબ્દો પાછા ખેંચે એવી માગણી પણ સમાજવાદી પાર્ટીએ કરી હતી.
શરૃઆતમાં યોગીએ હસીને તેમને શાંત રહેવાનું સૂચન કર્યું હતું, પરંતુ સમાજવાદી પાર્ટીના સભ્યોએ હોબાળો ચાલુ રાખ્યો હતો.

એ પછી યોગીના તેવર આક્રમક બન્યા હતા. યોગીએ આક્રમક અંદાજમાં સમાજવાદી પાર્ટીના સભ્યોને સંબોધીને કહ્યું હતુંઃ વધારે ગરમી ન બતાવશો, મને બધાના પેટનો દુખાવો મટાડતા આવડે છે. ગૃહની ગરિમાનું ધ્યાન રાખો અને સાંભળવાની આદત પાડો.
યોગીએ સપાના સભ્યોને કહ્યું હતું કે તમે જેવી ભાષા સમજો છો એવી ભાષામાં જવાબ આપતા મને આવડે છે. અહીં ગૃહ છે અને તેનું સમ્માન કરો એ યોગ્ય રહેશે. એ પછી મુખ્યમંત્રીએ સત્તાપક્ષ અને વિપક્ષ બંનેના સભ્યોને લોકશાહીની ગરિમા જાળવી રાખવાની સલાહ આપી હતી અને નાગરિકો ગૃહમાં થતા વર્તનનું અનુકરણ કરે એવું વર્તન કરવાની શિખામણ આપી હતી

(12:05 am IST)