Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

શું કોંગ્રેસના બધા સાંસદો રાજીનામુ આપશે ?

રાહુલનું સંસદસભ્‍ય પદ ગયા પછી કોંગ્રેસમાં શું-શું મંથન થયું ?

નવી દિલ્‍હી તા. ૨૫ : રાહુલ ગાંધીને લોકસભા સાંસદ તરીકે ગેરલાયક ઠેરવ્‍યા બાદ શુક્રવારે સાંજે રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, કોંગ્રેસે એવી રણનીતિ બનાવી છે કે વર્તમાન રાજકીય પરિસ્‍થિતિ માટે તેઓ આગામી કર્ણાટક વિધાનસભા ચૂંટણી જીતીને ભારતીય જનતા પાર્ટી સરકારને જડબાતોડ જવાબ આપશે. કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવવા પર આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવા માટે એક સમિતિ બનાવવાનો પણ નિર્ણય કર્યો હતો. પાર્ટી હેડક્‍વાર્ટરમાં કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લી કર્જુન ખડગેની અધ્‍યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર હતા. સૂત્રોના જણાવ્‍યા અનુસાર એક સાંસદે સૂચન કર્યું કે તમામ પાર્ટીના સાંસદોએ સામૂહિક રાજીનામું આપવું જોઈએ. જો કે આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

એક સાંસદે કહ્યું કે પાર્ટીના તમામ સાંસદોએ સામૂહિક રાજીનામું આપી દેવું જોઈએ. આ અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્‍યો નથી. પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે કર્ણાટક ચૂંટણીમાં પાર્ટીની જીત દ્વારા જવાબ આપવો જરૂરી બની ગયો છે. આગળની કાર્યવાહી અંગે વધુ નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. પાર્ટીએ તાજેતરના રાજકીય વિકાસ પર ચર્ચા કરવા માટે વરિષ્ઠ નેતાઓ અને સહયોગી પક્ષોની આપાતકાલીન બેઠક બોલાવી હતી.

રાહુલ ગાંધી શુક્રવારે તેમની ‘મોદી અટક' ટિપ્‍પણી માટે ફોજદારી માનહાનિના કેસમાં સુરતની અદાલત દ્વારા દોષિત ઠેરવ્‍યા બાદ લોકસભામાંથી સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્‍યા હતા. કોંગ્રેસ પાર્ટીએ આ પગલા માટે કેન્‍દ્રની ટીકા કરી અને તેને ‘લોકશાહીનું ગળું દબાવવા' ગણાવ્‍યું. હાઈકોર્ટ દ્વારા તેમની દોષિત ઠરાવવામાં સ્‍ટે મુકીને અયોગ્‍યતા રદ કરવામાં આવશે તેવો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો.

(11:00 am IST)