Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

કપિલ સિબ્‍બલે કોંગ્રેસને કર્યા ‘રામ રામ' હવે સપાની ‘સાયકલ' ઉપર સવાર થઇ જશે રાજ્‍યસભામાં

હાર્દિક પટેલ અને સુનિલ જાખડ બાદ કોંગ્રેસને વધુ એક ફટકો : સપાના સુપ્રીમોની હાજરીમાં ભર્યુ ઉમેદવારી પત્રઃ મેં તો ૧૬મી મેએ જ કોંગ્રેસને છોડી દીધી છે : કપિલ સિબ્‍બલ

નવી દિલ્‍હી તા. ૨૫ : કોંગ્રેસમાં લાંબા સમયથી બળવાખોરીનો અવાજ ઉઠાવનાર પૂર્વ કેન્‍દ્રીય મંત્રી કપિલ સિબ્‍બલે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે સમાજવાદી પાર્ટીના સમર્થન સાથે રાજયસભા માટે સ્‍વતંત્ર ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવ્‍યા બાદ આ વાતનો ખુલાસો કર્યો હતો. પત્રકારો સાથે વાત કરતા કપિલ સિબ્‍બલે ખુલાસો કર્યો કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે ૧૬ મેના રોજ જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. તેઓ હવે સપાની સાયકલ પર બેસીને સવાર થઇને રાજ્‍યસભામાં જશે.

કપિલ સિબ્‍બલે કોંગ્રેસમાંથી રાજીનામાનો ખુલાસો કરતા કહ્યું કે, ‘અમે વિપક્ષમાં રહીને ગઠબંધન કરવા માંગીએ છીએ જેથી તેઓ મોદી સરકારનો વિરોધ કરી શકે. અમે ઈચ્‍છીએ છીએ કે ૨૦૨૪માં ભારતમાં એવું વાતાવરણ સર્જાય કે મોદી સરકારની ખામીઓને લોકો સમક્ષ લાવવામાં આવે. હું જાતે પ્રયત્‍ન કરીશ.' સિબ્‍બલે એમ પણ કહ્યું કે તેમને તમામ પક્ષોએ ટેકો આપ્‍યો છે.

કપિલ સિબ્‍બલે પણ આઝમ ખાનના સમર્થન બદલ આભાર માન્‍યો હતો. તેમણે પોતે સ્‍પષ્ટ કર્યું કે તેઓ સપામાં સામેલ થવાના નથી, પરંતુ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. સિબ્‍બલે કહ્યું કે, હું ખુશ છું કે હું રાજયસભાનો સ્‍વતંત્ર ઉમેદવાર બનવા જઈ રહ્યો છું. હું હંમેશા આ દેશમાં સ્‍વતંત્ર અવાજ બનવા માંગતો હતો. મને ખુશી છે કે અખિલેશ યાદવ આ સમજી ગયા. જયારે આપણે પક્ષના સભ્‍યો હોઈએ છીએ, ત્‍યારે આપણે તેની શિસ્‍તથી બંધાયેલા હોઈએ છીએ.

કપિલ સિબ્‍બલના નોમિનેશન બાદ અખિલેશ યાદવે કહ્યું કે, ‘આજે કપિલ સિબ્‍બલે પોતાનું નોમિનેશન ભર્યું છે. તેઓ સપાના સમર્થનથી રાજયસભામાં જઈ રહ્યા છે. વધુ બે દાસ રાજયસભામાં જઈ શકે છે. કપિલ સિબ્‍બલ વરિષ્ઠ વકીલ છે. તેઓ સંસદમાં પણ પોતાના વિચારો વ્‍યક્‍ત કરતા રહ્યા છે. અમે આશા રાખીએ છીએ કે અમે અમારા અને એસપીના મંતવ્‍યો રાખીશું.' અખિલેશ યાદવે કહ્યું કે વધુ બે ઉમેદવારો પણ ટૂંક સમયમાં જ તેમના નામાંકન દાખલ કરશે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, સપા ડિમ્‍પલ યાદવ અને જાવેદ અલીને પણ રાજયસભાની ટિકિટ આપી શકે છે.

(3:20 pm IST)