Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

ભારત રાજ્યોનો એક સંઘ, અધિકારીએ રાહુલને રાષ્ટ્ર ધર્મનો પાઠ ભણાવ્યો

લંડનના પ્રવાસમાં કોંગ્રેસના નેતાના નિવેદનથી વિવાદ : : ભારત, રાજ્યોનો એક સંઘ છે, પરંતુ જો તમે બંધારણનુ પાછલું પાનું પલટાવીને જોશો તો પ્રસ્તાવનામાં એ ઉલ્લેખ છે કે ભારત એક રાષ્ટ્ર છેઃ અધિકારીના રાહુલ પર પ્રહાર

 લંડન,તા.૨૫:  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અત્યારે લંડનના પ્રવાસે છે જ્યાં તેઓ કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. ત્યાં આપવામાં આવેલા તેમના નિવેદનોના પગલે દેશમાં રાજકીય ઘમાસાણ મચી ગયુ છે. આ દરમિયાન કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તેમના ભાષણ વચ્ચે ત્યાં હાજર એક ભારતીય અધિકારીએ તેમને રાષ્ટ્ર, ભારત અને ચાણક્યના રાષ્ટ્રધર્મનો પાઠ ભણાવ્યો. આનો વીડિયો અધિકારીએ પોતે ટ્વીટર પર શેર કર્યો છે. લંડન પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ પહેલા 'આઈડિયાઝ ફોર ઈન્ડિયા' સંમેલનમાં હાજરી આપી. જે બાદ સોમવારે તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થયા. વિદ્યાર્થીઓ સાથેના સંવાદ સત્રમાં રાહુલ ગાંધીએ કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતને લઈને જે વિઝન બનાવી રહ્યા છે તે સમાવેશી નથી. તેમની દ્રષ્ટિ દેશની વસ્તીના મોટા વર્ગને બાકાત રાખે છે. આ અયોગ્ય છે અને ભારતના વિચાર વિરુદ્ધ છે. તેમણે કૉરપસ ક્રિસ્ટી કોલેજમાં 'ઈન્ડિયા એટ ૭૫' નામના એક કાર્યક્રમ દરમિયાન ભારતીય મૂળના વિદ્યાર્થીઓ સાથે હિંદુ રાષ્ટ્રવાદ, કોંગ્રેસ પાર્ટીની અંદર ગાંધી પરિવારની ભૂમિકા અને દેશના લોકોને સંગઠિત કરવાના પ્રયાસો જેવા વ્યાપક વિષયો પર ચર્ચા કરી.

ભારતીય સિવિલ સર્વિસ ઓફિસર સિદ્ધાર્થ વર્માએ વીડિયો શેર કરી જણાવ્યુ કે કેમ્બ્રિજના કાર્યક્રમ દરમિયાન તેમણે રાહુલ ગાંધીના વિચારોનો કેવી રીતે આકરો જવાબ આપ્યો. વર્મા ભારતીય રેલવેના પરિવહન સેવા અધિકારી છે અને વર્તમાનમાં તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં 'પબ્લિક પોલીસ' વિષય પર કોમનવેલ્થના રિસર્ચ સ્કોલર છે.

વર્માએ રાહુલ ગાંધીને કહ્યુ, તમે બંધારણના અનુચ્છેદ એકનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારત, રાજ્યોનો એક સંઘ છે, પરંતુ જો તમે બંધારણનુ પાછલુ પાનુ પલટાવીને જોશો તો પ્રસ્તાવનામાં એ ઉલ્લેખ છે કે ભારત એક રાષ્ટ્ર છે. ભારત દુનિયાની સૌથી પ્રાચીન જીવંત સભ્યતાઓમાંનો એક છે. રાષ્ટ્ર શબ્દ વેદોમાં છે. આપણી પાસે ખૂબ પ્રાચીન સભ્યતા છે. એટલે સુધી કે જ્યારે ચાણક્યએ તક્ષશિલામાં વિદ્યાર્થીઓને ભણાવ્યા ત્યારે તેમણે પણ તેમને એ સ્પષ્ટ કરી દીધુ હતુ કે તેઓ વિભિન્ન જિલ્લાઓના રહેવાસી હોઈ શકે છે પરંતુ અંતે તો તેઓ એક રાષ્ટ્રના છે, જે ભારત છે. વર્મા દ્વારા ટ્વીટર પર શેર વીડિયોમાં તેમને આ બધુ કહેતા સાંભળી શકાય છે.

 

 

 

 

 

 

(8:28 pm IST)