Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

મોબાઈલ ફોન, સ્કૂલમાં એડમિશન અને બેન્કમાં ખાતું ખોલાવવા આધારકાર્ડની કોઈ જરુર નથી: સુપ્રીમકોર્ટ

આધાર નંબર દરેક સેવામાં લિંક કરવાના આદેશ અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડ અંગે મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરતા કહ્યું હતું કે, મોબાઈલ ફોન, સ્કૂલમાં એડમિશન તેમજ બેન્કમાં ખાતું ખોલાવવા માટે આધાર કાર્ડની કોઈ જરુર નથી. જોકે, તેણે આધાર કાર્ડની બંધારણીય યોગ્યતા હોવાનું પણ આ સાથે કહ્યું છે અને કેટલીક સેવાઓ માટે તેનું ફરજિયાતપણું બરકરાર રાખ્યું છે. 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આધાર કાર્ડ દેશના આમ નાગરિકની ઓળખ બની ગઈ છે. આ સાથે જ સુપ્રીમે આધાર એક્ટની કલમ ૫૭ રદ કરી નાંખી છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની બનેલી પાંચ જજોની ખંડપીઠે તેના ચુકાદામાં કહ્યું કે, ખાનગી કંપનીઓ પોતાની સર્વિસીસ માટે આધાર નંબર માગી શકે નહીં અને આ અંગે કાયદામાં ૫૭મી કલમ અન્વયે જે જોગવાઈ છે તે રદ કરવામાં આવે છે.

આધાર એક્ટ ૨૦૧૬ વૈધાનિક રીતે યોગ્ય છે તેમ કહીને સુપ્રીમ કોર્ટે બુધવારે ૪:૧થી તેની કેટલીક જોગવાઈઓ રદ કરી નાંખી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઈ નાગરિકના અધિકારને યુનિક આઈડીના અભાવે રોકી શકાય નહીં કે તે આપવા માટે ઈનકાર થઈ શકે નહીં. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ ખાનવિલકરની સાથે જસ્ટિસ એકે સિકરીએ બહુમતી જજોનો ચુકાદો જાહેર કર્યો હતો. તેમણે PAN(પર્મેનન્ટ એકાઉન્ટ નંબર)સાથે આધાર નંબર જોડવાની બાબતને યોગ્ય ગણી છે. ઉપરાંત, આઈટી રિટર્ન ભરવા માટે પણ આધાર કાર્ડ નંબર આપવો ફરજિયાત રહેશે. 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આધારને કારણે સમાજના વંચિંત વર્ગ સુધી પહોંચવામાં સરકારને સફળતા મળી છે અને તેનાથી વ્યક્તિગત સન્માન જ વધ્યું નથી પણ સામુદાયિક હિત પણ વધ્યું છે. ‘આધાર યુનિક છે અને તે શ્રેષ્ઠ કરતાં યુનિક રહે તે સારું છે,’એમ કોર્ટે કહ્યું હતું. આધારનો ડેટા છ મહિનાથી વધુ સમય સુધી સ્ટોર કરી શકાશે નહીં. ગેરકાયદે ભારતીયોને આધાર અપાશે નહીં.  

જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું કે, આધાર એક્ટની સેક્શન ૭ પ્રમાણે કેન્દ્ર સરકારે કેટલાંક પૂરતાં કારણો આપેલાં છે જેમાં ગરીબ માણસો માટેની સબસિડી અને કલ્યાણનાં કામો આધાર કાર્ડને કારણે યોગ્ય પ્રમાણમાં સારી રીતે થઈ રહ્યાં છે. જોકે, જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે આધાર એક્ટને બંધારણની કલમ ૧૧૦ના ભંગ સમાન ગણાવીને પોતાનો રોષ અને નારાજગી જાહેર કર્યાં હતાં. 

(12:00 am IST)