Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

સચિન પાયલટે ૫૦-૬૦ ફોનકોલ કર્યા પણ રાહુલ અને પ્રિયંકાએ કોલ રિસીવ ન કર્યા

રાજસ્થાન કોંગ્રેસમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે હવે રાજયસભાના સાંસદ ડો.કિરોડીલાલ મીણાએ એક નિવેદન આપીને બળતામાં ઘી હોમવાનુંકામ કર્યુ છે

જયપુર, તા.૨૫: રાજસ્થાન કોંગ્રેસમાં ફરી રાજકીય દ્યમાસાણ સર્જાયું છે. મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને ઉપમુખ્યપ્રધાન સચિન પાયલટ વચ્ચે અંતર વધતું જઈ રહ્યું છે. તો બીજી બાજું હવે કોંગ્રેસ હાઈકમાન્ડ પણ સચિન પાયલટનું સાંભળતી ન હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. અશોક ગેહલોતની ફરિયાદ લઈને સચિન પાયલટ દિલ્હી ગયા હતા. પણ હવેએક એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જેનાથી કોંગ્રેસમાં સચિન પાયલટનું કદ વેતરી નાખવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે.

રાજસ્થાન કોંગ્રેસમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે હવે રાજયસભાના સાંસદ ડો.કિરોડીલાલ મીણા એ એક નિવેદન આપીને બળતામાં દ્યી હોમવાનું કામ કર્યું છે. ડો.કિરોડીલાલ મીણાએ કોંગ્રેસ પાર્ટીની આંતરિક લડાઈ પર ટીપ્પણી કરી હતી અને કહ્યું હતું કે સચિન પાઇલટ ત્રણ-ચાર દિવસ રોકાઈને દિલ્હી ગયા હતા અને ૫૦ થી ૬૦ કોલ કર્યા હતા, પરંતુ તેમ છતાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેમનો ફોન ઉપાડ્યો નહોતો. સચિન પાયલોટ પાર્ટીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પરંતુ તેમ છતાં તેમન પર ધ્યાન નથી આપવામાં આવી રહ્યું. રાજસ્થાનના ઉપમુખ્યપ્રધાન સચિન પાયલટનું આ અપમાન છે.

એટલું જ નહીં સાંસદ ડો.કિરોડીલાલ મીણા એ રાજયના ઉપમુખ્યપ્રધાનને સૂચનો પણ આપ્યા હતા. સાંસદ ડો.કિરોડીલાલ મીણાએ કહ્યું કે ઉપમુખ્યપ્રધાન સચિન પાયલટ સ્વાભિમાન વ્યકિત છે, તેથી તેમણે આટલું અપમાન સહન ન કરવું જોઈએ. ડો.કિરોડીલાલ મીણાએ વધુમાં કહ્યું કે પાયલટે કોંગ્રેસ પાર્ટીના આ વલણ અંગે ટૂંક સમયમાં નક્કર નિર્ણય લેવો જોઈએ. ભાજપના રાજયસભા સાંસદ ડો.કિરોડીલાલ મીણાના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે.

હાલના દિવસોમાં સચિન પાયલટ અને ગેહલોત વચ્ચેના ઝઘડા પછી પાર્ટીના નેતાઓ અને અપક્ષ કાઉન્સિલરોના નિવેદનો પણ રાજસ્થાનના રાજકારણમાં ગરમાવો લાવી રહ્યાં છે. તાજેતરમાં જ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી ભૂપેન્દ્ર યાદવે પણ રાજસ્થાનના રાજકારણ પર પ્રહાર કર્યા હતા. ભાજપના મહાસચિવએ નિવેદન આપ્યું હતું કે સીએમ ગેહલોતે તેમની પોલીસ અને સીઆઈડી સચિન પાયલોટની પાછળ મૂકી દીધી છે અને આ જ કારણ છે કે રાજસ્થાન સરકારની સિસ્ટમ બગડી ગઈ છે.

(10:16 am IST)