Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

ICMRનો પહેલો રિપોર્ટ ચોંકાવનારો

બંને ડોઝ લીધા બાદ પણ ૭૬ ટકા દર્દીઓમાં જોવા મળ્યુ સંક્રમણ

નવી દિલ્હી,તા. ૨૫: કોરોના વેકિસનેશન અને સંક્રમણને લઈને ICMRએ દેશનો પહેલો રિપોર્ટ સામે મૂકયો છે. આ પહેલા રિપોર્ટના પરિણામ ખરેખર ચોંકાવનારા જોવા મળ્યા છે. રિપોર્ટમાં કહેવાયું છે કે વેકિસનના બંને ડોઝ લીધા બાદ ૭૬ ટકા લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. સંક્રમણની ઝપેટમાં આવ્યા બાદ તેમાંથી ફકત ૧૬ ટકા લોકો વિના લક્ષણ વાળા જોવા મળે છે. જયારે લગભગ ૧૦ ટકાને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા છે.

રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ૩૬૧ લોકોની તપાસમાં ૨૭૪ના આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. વેકિસનના બંને ડોઝ લીધા બાદ ૧૪૪ દિવસ બાદ આ લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા હતા. કોવિશીલ્ડ અને કોવેકિસનના વિવાદ પર પણ ICMRએ સ્પષ્ટતા કરી છે. કોવિશીલ્ડ લેનારામાં વધારે એન્ટીબોડી બની રહી છે જયારે કોવેકિસન લેનારામાં એન્ટીબોડી ૭૭ ટકાની જોવા મળે છે. 

૧ માર્ચથી ૧૦ જૂન સુધીના સમયના રિસર્ચમાં એ વાત જાણવા મળી છે કે કોવેકિસનના બંને ડોઝ લીધા બાદ સંક્રમિત થયેલા ૪૩ ટકા સ્વાસ્થ્ય કર્મી હતા જે અન્ય લહેરમાં કોવિડ વોર્ડમાં કામ કરી રહ્યા હતા. તો કોવિશીલ્ડ લીધા બાદ ૧૦ ટકા સ્વાસ્થ્ય કર્મચારીસંક્રમિત જોવા મળ્યા હતા. ૨ ડોઝ લીધા બાદ સંક્રમણની ઝપેટમાં આવનારાનો સમય લગભગ ૪૫ દિવસનો જોવા મળ્યો હતો. જયારે કોવેકિસનની વેકિસન લેનારામાં આ સમય ૩૩ દિવસનો જોવા મળ્યો હતો. ICMRના વૈજ્ઞાનિકોએ કોવિશીલ્ડ લેનારા એક વ્યકિતનું પોસ્ટ સંક્રમણ થવાના કારણે મોત થયું હોવાની જાણકારી આપી હતી. જયારે સરકારે અત્યાર સુધી વેકિસન લગાવ્યા બાદ એક દર્દીના મોતની જાણકારી આપી છે. જે મહારાષ્ટ્ર સાથે જોડાયેલી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ બંને કેસ અલગ છે.

વેકિસનના બંને ડોઝ લીધા બાદ જે લોકો કોરોના સંક્રમિત થયા છે તેમાં ૯.૦ ટકાને એડમિટ કરવા પડ્યા હતા પરંતુ આ દર્દીને હોસ્પિટલથી ડિસ્ચાર્જ થવામાં ઓછામાં ઓછો ૧૧ દિવસનો સમય લાગ્યો હતો. એક દર્દી હજુ પણ એડમિટ છે. 

વૈજ્ઞાનિકોનું માનવું છે કે ડેલ્ટા વેરિઅન્ટના કારણે વેકિસનેશનના બાદ પણ સંક્રમણ થઈ શકે છે કેમકે આ વેરિઅન્ટ એન્ટીબોડીને દ્યટાડે છે. ૧૬ જાન્યુઆરીથી દેશમાં વેકિસનેશન કાર્યક્રમ ચાલી રહ્યો છે અને માર્ચમાં અન્ય લહેરના સમયે ૮૦ ટકાથી વધારે ડેલ્ટા વેરિઅન્ટ સાથે જોડાયેલા રહ્યા જેમાં કેસ વધ્યા. વૈજ્ઞાનિકોને આશંકા છે કે આ વેરિઅન્ટના કારણે વેકસીનના બંને ડોઝ લેનારા કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

(10:20 am IST)