Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

ઇમર્જન્સીના ૪૬ વર્ષઃ વડાપ્રધાન મોદીએ કહ્યું એ સમય કદી ભુલાવી શકાશે નહિ

એક પરિવાર સામે ઉઠનારો અવાજ દબાવવા માટે લગાવાઇ હતી ઇમર્જન્સીઃ અમિત શાહ

નવીદિલ્હી તા. ૨૫: ભારતના ઇતિહાસમાં આજના દિવસે ૨૫ જુન ૧૯૭૫માં દેશભરમાં ઇમર્જન્સી (કટોકટી) લગાવવામાં આવી હતી. તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની ભલામણથી આ આદેશ કરવામાં આવ્યા હતાં. આજે ઇમર્જન્સીની ૪૬મી વરસી છે. આ દિવસોને યાદ કરીને તમામ રાજકીય નેતાઓએ ટ્વિટ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ કહ્યું છે કે-કોઇ દિવસ એ સમય ભુલાશે નહિ.

એ દિવસોને યાદ કરતાં તેમણે કહ્યું કે ઇમર્જન્સીના દિવસોમાં ૧૯૭૫થી ૭૭ દરમિયાન દેશના કેટલાય સંસ્થાનોનો વિનાશ જોવા મળ્યો હતો. આવો આપણે ભારતની લોકતાંત્રીક ભાવનાઓને મજબૂત કરવા માટે દરેક સંભવ પ્રયાસ કરવાનો સંકલ્પ કરીએ.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ દિવસોને સ્વતંત્ર ભારતના ઇતિહાસના કાળા દિવસો ગણાવ્યા હતાં. તેમણે ટ્વિટ કરતાં કહ્યું કે-એક પરિવાર સામે ઉઠનારા અવાજને દબાવવા માટે ઇમર્જન્સી લગાવવામાં આવી હતી. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં તેને કાળો અધ્યાય ગણી શકાય.

૧૯૭૫માં આજના દિવસે જ કોંગ્રેસે સત્તા અને સ્વાર્થનો અહંકાર દેશ ઉપર ઇમર્જન્સીના રૂપમાં થોપી વિશ્વના સોૈથી મોટા લોકતંત્રની હત્યા કરી હતી. અસંખ્ય સત્યાગ્રહીઓને રાતોરાત જેલની કાળકોટડીમાં કેદ કરી પ્રેસ ઉપર તાળા મારી દેવાયા હતાં.

રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે-ઇમર્જન્સી દરમિયાન લોકતંત્રની રક્ષા માટે દેશભરમાં આંદોલનો કરવામાં આવ્યા હતાં. દેશને બચાવવા માટે લોકોએ ઘણી યાતનાઓ કરી હતી. તેમના ત્યાગ, સાહસ, સંઘર્ષમાંથી આજે પણ આપણને પ્રેરણા મળી રહી છે. તેમણે કહ્યું કે-લોકતંત્રના ઇતિહાસમાં આ સમયને કાળા અધ્યાય તરીકે ઓળખવામાં આવે છે. એ દિવસો ભુલી નથી શકાતાં. ભારતીય લોકતંત્રના ઇતિહાસમાં લોકતાંત્રિક પરંપરા ઉપર કુઠરાઘાત કરવા માટે કાયદાનો દૂરૂપયોગ કરવામાં આવ્યો હતો.

(3:22 pm IST)