Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

‘એ કહેવું ઉતાવળભર્યું હશે કે દેશમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી મહામારીની ત્રીજી લહેર આવશે. એનાં બીજાં કારણો પણ હોય શકે છે. તેમણે વધુ જણાવ્યું હતું કે દરેક વાયરસમાં મ્યૂટેડ થવાની એક સામાન્ય પ્રવૃત્તિ થાય છે. એને આપણે નિયંત્રિત નહીં કરી શકીએ : ICMRના ડો. સુમિત અગ્રવાલનુ નિવેદન

કેન્દ્ર સરકારની એજન્સી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ દાવા પર વિરામ લગાવ્યો છે કે દેશમાં મહામારીની ત્રીજી લહેર માટે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ જવાબદાર રહેશે.

ICMRના ડો. સુમિત અગ્રવાલે ગુરુવારે જણાવ્યું હતું કે ‘એ કહેવું ઉતાવળભર્યું હશે કે દેશમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી મહામારીની ત્રીજી લહેર આવશે. એનાં બીજાં કારણો પણ હોય શકે છે. તેમણે વધુ જણાવ્યું હતું કે દરેક વાયરસમાં મ્યૂટેડ થવાની એક સામાન્ય પ્રવૃત્તિ થાય છે. એને આપણે નિયંત્રિત નહીં કરી શકીએ.

મહામારીની શરૂઆતમાં આ અલ્ફા હતો, બાદમાં એ ડેલ્ટા થયો અને હવે એ ડેલ્ટા પ્લસ થયો છે. ભવિષ્યમાં હજી પણ મ્યૂટેશન જોવા મળી શકે છે. આપણે તેની સાથે જ આગળ વધવું પડશે. જોકે તેમણે એને ચિંતાજનક ગણાવ્યું છે.

ડો. સુમિતે કહ્યું હતું કે ‘અત્યારસુધીમાં અમે ડેલ્ટા પ્લસ વેરિયન્ટનાં ત્રણ લક્ષણની ઓળખ કરી છે. પ્રથમ- એ ખૂબ જ ઝડપી ફેલાય છે. બીજો- આ ફેફસાંને ખૂબ જ ઝડપી નુકસાન પહોંચાડે છે. ત્રીજું- મોનોક્લોનલ એન્ટિબોડી થેરપીની અસર ઓછી કરી દે છે. અગ્રવાલ ડિવિઝન ઓફ એપિડેમિયોલોજી એન્ડ કમ્યુનિકેબલ ડિઝીઝ, ICMRમાં વૈજ્ઞાનિક અને પ્રોગ્રામ અધિકારી છે.

દેશમાં અત્યારસુધીમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના 40થી વધુ કેસ નોંધાયા છે, જેમાં મહારાષ્ટ્ર, કેરળ, મધ્યપ્રદેશ, કર્ણાટક, જમ્મુ-કાશ્મીર અને તામિલનાડુનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં નવા વેરિયન્ટના સૌથી વધુ 21 કેસ મળી આવ્યા છે.

મધ્યપ્રદેશમાં પણ એના 5 કેસ નોંધાયા છે. આમાંથી ઉજ્જૈનની એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલાને વેક્સિન આપવામાં આવી ન હતી, જ્યારે તેના પતિએ વેક્સિન લીધી હતી, જેને કારણે તે સ્વસ્થ છે. અન્ય 4 લોકો પણ સ્વસ્થ થઈ ગયા છે અને તેઓ તેમના ઘરે છે. એનો પહેલો કેસ જમ્મુ-કાશ્મીર અને કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં બુધવારે નોંધવામાં આવ્યો હતો.

દેશમાં બીજી લહેર માટે જવાબદાર કોરોના વેરિયન્ટ ડેલ્ટા ફરી એકવાર સ્વરૂપ બદલીને હુમલો કરી રહ્યો છે. એનું નામ ડેલ્ટા પ્લસ રાખવામાં આવ્યું છે. નિષ્ણાતો માને છે કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ દેશમાં કોરોનાની ત્રીજી લહેરનું કારણ બની શકે છે.

કેન્દ્ર સરકારે પણ 23 જૂને એને વેરિયન્ટ ઓફ કન્સર્ન જાહેર કર્યું છે. ડેલ્ટા પ્લસનો ભારતમાં પ્રથમ કેસ 5 એપ્રિલે મહારાષ્ટ્રમાં લેવામાં આવેલાં સેમ્પલમાં મળી આવ્યો હતો.

ડેલ્ટા પ્લસ વેરિયન્ટ અત્યારસુધી 11 દેશમાં પહોંચ્યો છે. ભારત સિવાય, બ્રિટન, કેનેડા, જાપાન, નેપાળ, પોલેન્ડ, પોર્ટુગલ, રશિયા, સ્વિટ્ઝર્લેન્ડ, તુર્કી અને અમેરિકામાં 197 સેમ્પલમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ મળી આવ્યો છે. ડેલ્ટા પ્લસને ‘AY.1’ સંસ્કરણ અથવા B.1.617.2.1 તરીકે પણ ઓળખાય છે.

ડેલ્ટા વેરિયન્ટના સ્પાઇક પ્રોટીનમાં પરિવર્તનને (મ્યૂટેશન)ને કારણે ડેલ્ટા પ્લસ બન્યો. વાયરસ સ્પાઇક પ્રોટીન દ્વારા જ શરીરમાં ફેલાય છે. ડેલ્ટા પ્લસના સ્પાઇક પ્રોટીનમાં જે ફેરફાર જોવા મળ્યા છે તે જ બદલાવ દક્ષિણ આફ્રિકામાં સૌથી પહેલા જોવા મળેલા બીટા વેરિયન્ટમાં પણ જોવા મળ્યો છે.

(4:50 pm IST)