Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

સુપ્રીમ કોર્ટે મમતા બેનર્જીને આપી મોટી રાહત:કોલકત્તા હાઇકોર્ટના ચુકાદા પર રોક

સુપ્રીમ કોર્ટે કોલકત્તા હાઇકોર્ટે તેમની એફિડેવિટ ન સ્વીકારવાના નિર્ણય પર સ્ટે આપ્યો : અરજીઓ પર પુન વિચારણા કરવા જણાવ્યું

નવી દિલ્હી :પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી અને કાયદા પ્રધાન મલય ઘટકને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે કોલકત્તા હાઇકોર્ટે તેમની એફિડેવિટ ન સ્વીકારવાના નિર્ણય પર સ્ટે આપ્યો છે. આ ઉપરાંત મમતા બેનર્જીને કોલકત્તા હાઈકોર્ટમાં નવી અરજી દાખલ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.

સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી, રાજ્ય સરકાર અને રાજ્યના કાયદા પ્રધાનને 28 જૂન સુધીમાં અરજી દાખલ કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કોલકત્તા હાઈકોર્ટને આ અરજીઓ પર પુન વિચારણા કરવા જણાવ્યું હતું અને તે પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કોલકત્તા હાઇકોર્ટ નારદા સ્ટિંગ કેસમાં મમતા બેનર્જી અને કાયદા પ્રધાન મલય ઘટકને એફિડેવિટ ફાઇલ કરવાની મંજૂરી આપી ન હતી તેની બાદ તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટની બેંચે મમતા બેનર્જી અને મલય ઘટકની અરજીઓની અલગથી સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને કહ્યું હતું કે રાજ્ય સરકાર અને ઘટકની અરજી પર વિચાર કર્યા પછી જ આ મામલાની સુનાવણી થવી જોઈએ.

આ સિવાય કોર્ટે એમ પણ કહ્યું હતું કે તેમના સોગંદનામાની એક આગોતરી નકલ 27 જૂને સીબીઆઈને સોંપવી પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 9 જૂનના રોજ કોલકત્તા હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે મુકવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે હાઈકોર્ટે 29 જૂને આ મામલે નવો નિર્ણય લેવો જોઈએ.

(7:06 pm IST)