Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

ઈઝરાયલમાં કોરોના સંક્રમણ વધતા ઈનડોર માસ્ક ફરજિયાત

બિનજરૂરી વિદેશ યાત્રા ન કરવા સરકારની સલાહ : ગુરૂવારે ઈઝરાયલમાં ૧૬૯ નવા કેસ, ઈઝરાયલમાં અનેક મહિનાઓ બાદ એક જ દિવસમાં આટલા નવા કેસ નોંધાયા

નવી દિલ્હી, તા. ૨૫ : ઈઝરાયલમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે હવે ઈનડોરમાં પણ માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવાયું છે અને આગામી સપ્તાહથી લોકોએ ઈનડોરમાં પણ ફરજિયાતપણે માસ્ક પહેરવું પડશે. આ સાથે જ ઈઝરાયલ સરકારે બિનજરૂરી વિદેશ યાત્રા ન કરવા પણ સલાહ આપી છે. ગુરૂવારે ઈઝરાયલમાં ૧૬૯ નવા કેસની પૃષ્ટિ થઈ હતી. ઈઝરાયલમાં અનેક મહિનાઓ બાદ એક જ દિવસમાં આટલા નવા કેસ નોંધાયા છે.

ઈઝરાયલ સરકારના કહેવા પ્રમાણે હાલનો સમય વેક્સિન ન લીધી હોય તેવા બાળકો સાથે હવાઈ મુસાફરી કરવા માટે યોગ્ય નથી. આ સાથે જ સરકારે કોરોનાથી સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા લોકોને તાત્કાલિક તપાસ કરાવવા વિનંતી કરી છે.સરકારના કહેવા પ્રમાણે વેક્સિન લીધી હોય કે નહીં પરંતુ શક્ય તેટલી ઝડપથી રિપોર્ટ કરાવીલેવો.

ઈઝરાયલ સરકારે જણાવ્યું કે, જો કોઈ બાળક વિદેશ જાય અને બીજા દિવસથી શાળાએ જાય તો તે ખોટું છે. ઈઝરાયલમાં મોટા ભાગના વયસ્કોને રસી લગાવી દેવાઈ છે. અત્યાર સુધીમાં આશરે ૮૦ ટકા વસ્તીને કોરોના વેક્સિન અપાઈ ચુકી છે અને તેમ છતાં નવા કેસ સામે આવી રહ્યા છે. સરકારના મતે કેસમાં અચાનક ઉછાળો કેમ આવ્યો તેનો જવાબ આપવો અઘરોછે.

ઈઝરાયલમાં બુધવારે કોરોનાના નવા ૧૩૮ કેસ નોંધાયા હતા. ગુરૂવારે સતત ચોથા દિવસે ઈઝરાયલમાં કોરોનાના ૧૦૦થી વધુ નવા કેસની પૃષ્ટિ થઈ હતી. ઈઝરાયલના બિન્યામિના શહેરમાં હાલ કોરોનાના સૌથી વધારે એક્ટિવ કેસ છે અને આ શહેરને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યું છે.

ઈઝરાયલમાં નવા ડેલ્ટા સંસ્કરણના પ્રસારને લઈને ચિંતા વધી છે જે તાજેતરના સપ્તાહમાં દેશના ૭૦ ટકા નવા કેસ માટે જવાબદાર ગણાય છે.

(7:40 pm IST)