Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

ઈઝરાયેલના નિષ્ણાતો ભારતીય ખેડૂતોને હાઈટેક ખેતી શિખવાડશે

ભારતીય ખેડૂતોની આવક બમણી કરવાનો પ્રયાસ : ઈન્ડો ઈઝરાયેલ વિલેજ ઓફ એક્લેસન્સ સ્કીમ હેઠળ આ પ્રોજેક્ટને હાથ ધરાશે, દેશના અનેક ગામોની પસંદગી

નવી દિલ્હી, તા. ૨૫ : ભારતમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે હવે ઈઝરાયેલે મદદ કરવાનુ નક્કી કર્યુ છે. ઈઝરાયેલના નિષ્ણાતો ભારતમાં આવીને ખેડૂતોને હાઈ ટેક ખેતી કરતા શીખવાડશે.

ભારતના ૭૫ ગામડાને આ માટેના પાયલોટ પ્રોજેકટ માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં હરિયાણાના ૩૦ ગામોનો તેમજ ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, તામિલનાડુ અને યુપીના પણ કેટલાક ગામડાઓને પસંદ કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ પાછળનો હેતુ ખેડૂતોની આવક વધારવાનો છે.

ઈન્ડો ઈઝરાયેલ વિલેજ ઓફ એક્લેસન્સ સ્કીમ હેઠળ આ પ્રોજેક્ટને હાથ ધરવામાં આવશે. જેમાં ઈઝરાયેલના નિષ્ણાતો ઉપરોક્ત રાજ્યોના પસંદ કરાયેલા ગામડાઓમાં જઈને ખેડૂતો સાથે વાત કરશે. ભારતમાં હાલમાં ૨૯ ઈન્ડો ઈઝરાયેલ સેન્ટર ઓફ એક્લેસન્સ સ્કીમ કાર્યરત છે અને ભવિષ્યમાં આવી ૪૨ સ્કીમો શુ કરવાની યોજના છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ પ્રકારની સ્કીમ હેઠળ ભારતમાં શાકભાજી અને ફળોની ખેતીનુ ઉત્પાદન વધારીને ખેડૂતોની આવક ડબલ કરવાનો છે. હાલમાં ખેડૂતો પરંપારગત રીતે ખેતી કરે છે. જેમાં મહેનત વધારે લાગે છે અને ખર્ચ પણ વધારે આવે છે. જેનાથી આવક પર અસર પડે છે. ઈઝારાયેલી નિષ્ણાતો ખેડૂતોને તાલીમ આપશે અને બતાવશે કે કયા પ્રકારે ખેતી કરવાથી ઉત્પાદન વધી શકે છે. આ માટે સિંચાઈ અને ક્રોપ મેનેજમેન્ટ પર ધ્યાન આપવાનુ શીખવાડવામાં આવશે. તેમાં ઓર્ગેનિક ફાર્મિંગનો પણ સમાવેશ થાય છે. ઈઝરાયેલમાં હાઈટેક ટેનિકથી હોર્ટિકલ્ચરની સંખ્યાબંધ વેરાઈટી તૈયાર કરાઈ છે.

૨૦૦૮માં ખેતીવાડી માટે પહેલા સંયુક્ત પ્રોજેક્ટની શરૂઆત થઈ હતી.તે વખતે ત્રણ વર્ષના એક્શન પ્લાન માટે કરાર થયા હતા. એ પછી આ યોજના ૨૦૧૫ સુધી વધારવામાં આવી હતી. ભારતે ઈઝરાયેલ સરકાર પાસે માંગ કરી હતી કે, ઈઝરાયેલ ખેતીની અત્યાધુનિક ટેકનિકમાં મદદ કરે. હવે આ પ્લાનને એક્સલેન્સ સેન્ટર તરીકે આગળ વધારવામાં આવ્યો છે.

(7:44 pm IST)