Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

ગ્રામ્ય વિસ્તારમાં નકલી રસીના ખુલાસા બાદ લોકોમાં ફફડાટ

કોલકત્તા મ્યુનિ.એ છેતરાયેલા પીડિતો માટે ટીમ મોકલી : કોલકાતામાં અનેક સ્થળે કેમ્પ લગાવીને રસી અપાઈ, રસી બાદ લોકોને અનેક દર્દની ફરિયાદ, તંત્ર દોડતું થયું

કોલકાતા, તા. ૨૫ : કોલકાતાના ગ્રામ્ય વિસ્તારમાં નકલી રસી શિબિરના ખુલાસા બાદ હવે લોકોમાં ભય વધ્યો છે. હકીકતમાં, આ શિબિરમાં જે લોકોને રસી મળી હતી તે લોકોને ડર છે કે નકલી રસીઓને કારણે તેમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓ ન થઈ જાય. કોલકત્તા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોવિડ રસીના નામે છેતરપિંડી કરાયેલા પીડિતોની દેખરેખ માટે એક આરોગ્ય ટીમ મોકલવામાં આવી હતી.

પીડિતોએ તેમની ફરિયાદ આરોગ્ય ટીમ સમક્ષ કરી છે. કોલકાતાના ગ્રામ્ય વિસ્તાર ન્યુ માર્કેટમાં સુરક્ષા ગાર્ડ કૌશિક દાસને તેના જમણા હાથમાં દુખાવો થઈ રહ્યો છે. દબાંજન દેબ દ્વારા આયોજીત કરવામાં આવેલા ફેક રસીકરણ કેમ્પમાંથી તેણે ૧૦ દિવસ પહેલા કોવિડ રસી લીધી હતી. આવી જ રીતે રાજડંગા મેઈન રોડના રહેવાસી ગૃહિણી મૌસમી પૌલે જણાવ્યું હતું કે તેના માથામાં સતત દુખાવો થઈ રહ્યો છે. તે જ શિબિરમાંથી તેને ત્રણ દિવસ પહેલા રસી મળી હતી.

દેબાંજન દેબે ગ્રામ્ય વિસ્તારમાં ૧૦ દિવસનું રસીકરણ અભિયાન ચલાવ્યું હતું. ૧૮ જૂનના રોજ તેણે એમહર્સ્ટ સ્ટ્રીટ પરની સિટી કોલેજમાં કેમ્પ લગાવ્યો હતો. જ્યાં તેણે કથિત રુપે સ્પુતનિક વીને રસી પૂરી પાડી હતી. આ દરમિયાન શિબિરમાં હાજર એક ફોટોગ્રાફરને રસીની શીશીનો ફોટો લેવાની ના પાડવામાં આવી હતી.

કેએમસીના મેડિકલ ઓફિસર દેબાશીષ બરૂઇએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય કેમ્પમાં રસી લેનારા લગભગ ૭૦ જેટલા લોકોની તપાસ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે, બનાવટી રસીકરણ શિબિરના આરોપ હેઠળ આયોજક વિરુદ્ધ કેસ નોંધાયા બાદ તેમાંના મોટાભાગના લોકો પેનિક એટેકથી પીડિત છે. જોકે, કેએમસી આરોગ્ય વિભાગના અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે, નકલી રસીના કારણે બીમાર પડેલા લોકોને તમામ પ્રકારની તબીબી સહાય આપવામાં આવશે.

અધિકારીએ જણાવ્યું હતું કે, જો જરૂર પડે તો અમે આ વિસ્તારમાં તબીબી શિબિર પણ યોજીશું જેથી બીમાર પડેલા લોકોનું ધ્યાન રાખવામાં આવી શકે. દેબાશીશ બરૂઇને પીડિત લોકોના સ્વાસ્થ્યની તપાસ કરવા અને નકલી રસીના દુષ્પ્રભાવો અંગેની શંકાઓને દૂર કરવા મોકલવામાં આવ્યા હતા. બરુઇએ કહ્યું, મેં લગભગ ૭૦ લોકો સાથે વાત કરી, તેમાંના મોટાભાગના ગભરાઈ ગયા હતા. કેટલાક લોકો બનાવટી રસીની અસરથી ડરી ગયા હતા. જેના કારણે પેનિક એટેકના ભયને ધ્યાને રાખીને મે તેમને ખાતરી આપી કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કેટલાક એવા પણ હતા જેમણે રસી લીધા પછી પીડા અને તાવની ફરિયાદ નહોતી કરી. કસબા ન્યુ માર્કેટમાં કપડાની દુકાનના માલિકે કહ્યું, મને લાગ્યું કે આમાં કંઇક ખોટું છે કારણ કે રસી લીધા પછી, જે સામાન્ય રીતે હળવો તાવ અને પીડા જેવી હળવી આડઅસર થાય છે, મને એવું કંઈ થયું નહોતું.

ફેક રસીકરણ કેમ્પમાંથી રસી લેનારા સીટી કોલેજના વિદ્યાર્થીઓ પણ એટલા જ ડરેલા છે. એક પૂર્વ વિદ્યાર્થી રાજા ભટ્ટાચાર્યએ કહ્યું, કેમ્પના આયોજકે મને કહ્યું કે મને સ્પુતનિક વી રસી આપવામાં આવી છે પરંતુ જ્યારે હવે તે માણસ ફ્રોડ નીકળ્યો છે ત્યારે હું ખૂબ જ ચિંતિત છું. તેવી જ રીતે માનિકતલા રહેવાસી દેબજીત મજુમદારે કહ્યું કે, મારી તબિયત કરતાં પણ વધુ, મને ચિંતા એ વાતની છે કે ત્રીજી લહેર પહેલા મને સાચી રસી કઈ રીતે મળશે.

(7:47 pm IST)