Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

રાજકીય સંકટ વચ્‍ચે હાઈએલર્ટ પર પોલીસઃ મુંબઈ પર ચાંપતી નજર

કોઈપણ અણધાર્યા સંકટનો સામનો કરવા માટે મહારાષ્ટ્ર પોલીસને એલર્ટ મોડ પર રહેવા માટે કહેવામાં આવ્‍યું

મુંબઇ,તા. ૨૫: મહારાષ્ટ્રમાં રાજકીય અસ્‍થિરતા પાટે ચડવાનું નામ લઈ રહી નથી. રાજયની ઉદ્ધવ ઠાકરે સરકાર પર ખતરો વધી રહ્યો છે. દરમિયાન, મહારાષ્ટ્ર પોલીસે તમામ પોલીસ સ્‍ટેશનોને હાઈ એલર્ટ પર રહેવાનો આદેશ આપ્‍યો છે. મહારાષ્ટ્ર પોલીસના વડાએ ખાસ કરીને મુંબઈના તમામ પોલીસ સ્‍ટેશનોને એલર્ટ પર રહેવાનો આદેશ આપ્‍યો છે.
પોલીસ સૂત્રોનું માનીએ તો તેમને એલર્ટ મળ્‍યું છે કે શિવસૈનિકો મોટી સંખ્‍યામાં રસ્‍તા પર ઊતરીને હંગામો મચાવી શકે છે. મહારાષ્ટ્રમાં પોલીસને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્‍યું છે, જેથી કાયદો અને વ્‍યવસ્‍થામાં ખલેલ ન પહોંચે અને શાંતિ જળવાઈ રહે. પોલીસને સ્‍થિતિ પર ચાંપતી નજર રાખવાનો આદેશ આપવામાં આવ્‍યો છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્‍ચે કોઈપણ અણધાર્યા સંકટનો સામનો કરવા માટે મહારાષ્ટ્ર પોલીસને એલર્ટ મોડ પર રહેવા માટે કહેવામાં આવ્‍યું છે. રાજયમાં કોઈપણ પરિસ્‍થિતિમાં કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે પોલીસને કડક સૂચના આપવામાં આવી છે. જેથી પોલીસે પોતાની રીતે બંદોબસ્‍ત ગોઠવવાનું શરૂ કરી દીધું છે.
પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં હવે સ્‍થિતિ શાંત જણાય છે, પરંતુ અંદરથી જે માહિતી મળી રહી છે તેને અવગણી શકાય તેમ નથી. આ શક્‍યતા ત્‍યારે વધુ વધી જાય છે જયારે શિવસેનાના કેટલાક નેતાઓ નિવેદન આપે છે કે તેમના કાર્યકરો માટે રસ્‍તા પર ઉતરવાનો વિકલ્‍પ પણ ખુલ્લો છે. પોલીસ કોઈપણ સંજોગોમાં જોખમ લેવા તૈયાર નથી. આથી પોલીસ સાવચેતીના ભાગરૂપે આ સમગ્ર ઘટના પર ચાંપતી નજર રાખી રહી છે.  

 

(10:32 am IST)