Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

ખુશી પટેલે મિસ ઈન્ડિયા વર્લ્ડ વાઈડ ખિતાબ જીત્યો

બ્રિટનમાં મૂળ ગુજરાતની યુવતીની સિદ્ધિ : અમેરિકાની વૈદેહી ડોંગરે પ્રથમ રનરઅપ જાહેર જ્યારે શ્રુતિકા માનેને દ્વિતીય રનરઅપ જાહેર કરવામાં આવી

લંડન, તા.૨૫ : બ્રિટનમાં બાયોમેડિકલનો અભ્યાસ કરી રહેલી ખુશી પટેલે મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ ૨૦૨૨નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ૨૪ જૂન ૨૦૨૨, શુક્રવારે રાત્રે તેણે આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ વિદેશમાં સૌથી લાંબા સમયથી ચાલતી ભારતીય પ્રતિયોગિતા છે. ખાસ વાત એ છે કે, આ સ્પર્ધાની વિજેતા ખુશી પટેલ મૂળે ગુજરાતની રહેવાસી છે.

શુક્રવારે રાત્રે અમેરિકાની વૈદેહી ડોંગરેને પ્રથમ રનરઅપ જાહેર કરવામાં આવી હતી જ્યારે શ્રુતિકા માનેને દ્વિતીય રનરઅપ જાહેર કરવામાં આવી હતી. સૌંદર્ય પ્રતિયોગિતામાં ટોચની ૧૨ સ્પર્ધકો વિશ્વ સ્તરે વિભિન્ન અન્ય પ્રતિયોગિતાઓમાં વિજેતા રહી ચુકી છે.

ખુશી પટેલની વાત કરીએ તો તે બાયોમેડિકલની વિદ્યાર્થીની છે. તેણીએ મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ ૨૦૨૨ની પ્રતિયોગિતામાં વિજેતા બનવા અંગે ખુશી વ્યક્ત કરી હતી. તે કપડાઓની એક દુકાનની માલિક પણ છે. તે આગામી એક વર્ષમાં પરમાર્થ, સમાજસેવાના અનેક કાર્યક્રમો કરવા ઈચ્છે છે. આ ઉપરાંત તે ત્રીજા વિશ્વના દેશોની મદદ કરવા માટે પણ યોજના બનાવી રહી છે.  ઈન્ડિયા ફેસ્ટિવલ કમિટી (આઈએફસી)ના કહેવા પ્રમાણે ગુઆનાની રોશની રજાકને 'મિસ ટીન ઈન્ડિયા વર્લ્ડવાઈડ ૨૦૨૨' ઘોષિત કરવામાં આવી છે. આઈએફસીના કહેવા પ્રમાણે અમેરિકાની નવ્યા પેંગોલ પ્રથમ રનરઅપ રહી જ્યારે સૂરીનામની ચિક્વિતા મલાહા દ્વિતીય રનરઅપ રહી. આઈએફસી છેલ્લા ૨૯ વર્ષથી આ પ્રતિયોગિતા આયોજિત કરી રહ્યું છે.

આ વખતે ૩ વર્ષના વિક્ષેપ બાદ આ સૌંદર્ય પ્રતિયોગિતા આયોજિત થઈ હતી. છેલ્લે સપ્ટેમ્બર ૨૦૧૯માં મુંબઈની લીલા હોટેલમાં આ પ્રતિયોગિતાનું આયોજન થયું હતું. આઈએફસીના અધ્યક્ષ ધર્માત્મા સરને જણાવ્યું કે, મહામારીએ આપણી વિચારવાની તથા જીવવાની રીત બદલી નાખી છે.

(7:49 pm IST)