Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

ગો ફર્સ્ટની ફ્લાઈટમાં એસી બંધ થતાં ત્રણ મુસાફર બેભાન

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ : એસી બંધ થતા ફ્લાઈટમાં ગૂંગળામણ થવા લાગી હતી

નવી દિલ્હી, તા.૨૫ : સોશિયલ મીડિયામાં એક વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, હવામાં ઉડાન દરિયાન ગો ફર્સ્ટની એક ફ્લાઈટમાં એર કંડિશનિંગ સિસ્ટમએ કામ કરવાનું બંધ કરી દીધુ હતું. જેના કારણે ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલાં મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કેટલાંક યાત્રીઓ બેભાન થઈ ગયા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. રોશની વાલિયાએ ટ્વિટ કરેલા વિડીયોમાં મુસાફરો સુરક્ષા નિર્દેશ કાર્ડ દ્વારા હાથથી પંખો નાખતા જોવા મળ્યા હતા. બીજી તરફ, ગરમીના કારણે એક મહિલા રડતા જોવા મળ્યા હતા. કારણ કે ગરમીની સિઝન દરમિયાન વિમાનમાં ખૂબ જ ગરમી લાગતી હોય છે.

રોશની વાલિયાએ ટ્વિટમાં લખ્યું છે કે, જી૮ ૨૩૧૬નો સૌથી ખરાબ અનુભવ રહ્યો હતો. એસી કામ કરતા બંધ થઈ જતા આખી ફ્લાઈટમાં ગૂંગળામણ થવા લાગી હતી. જેના કારણે મુસાફરો પરેશાન થયા હતા. પરસેવાથી રેબઝેબ થયેલા મુસાફરો લગભગ બેભાન થવાની સ્થિતિમાં હતા. ત્રણ મુસાફરો તો બેભાન પણ થઈ ગયા હતા. તો એક કીમો પેશન્ટ યોગ્ય રીતે શ્વાસ પણ નહોતા લઈ શકતા. ગો ફર્સ્ટે ટ્વિટનો જવાબ આપતા રોશની વાલિયાને મુસાફરીની વિગતો શેર કરવાનુ કહ્યું, જેથી એરલાઈન્સ આ બાબતની તપાસ કરી શકે. રોશની વાલિયાએ આ વિડીયો ૧૪ જૂનના રોજ ટ્વિટ કર્યો હતો. એક મુસાફર વિડીયોમાં એવું કહે છે કે, દરેક મુસાફરને ખૂબ જ ગરમી લાગી રહી છે. ફ્લાઈટે સાડા પાંચ વાગે ઉડાન ભરી હતી અને હાલ ૬.૨૦ થયા છે. હજુ પણ એસી કામ કરી રહ્યા નથી. એક કેન્સરના દર્દી ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

જો એસી કામ નહોતુ કરી રહ્યું તો ફ્લાઈટે ઉડાન જ નહોતી ભરવા જેવી. અમે ફ્લાઈટની ટિકિટ માટે રુપિયા ૧૨ હજાર ખર્ચ્યા છે. શું એ આ માટે હતા? મહેરબાની કરીને કંઈક કરો. ગો ફર્સ્ટ કાર્યવાહી કરે. તો કેટલાંક ટ્વિટર યૂઝર્સે આ મામલે તપાસ કરવા માટે નાગરિક ઉડ્ડયન નિયામક ડીજીસીએને પણ ટેગ કર્યું હતું.

(7:58 pm IST)