Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

પરમાણુ વૈજ્ઞાનિક શેખર બાસુનું કોરોનાનાં કારણે નિધન

૧૫મી સપ્ટેમ્બરે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જયાં તેમનું નિધન થયું હતું

કોલકતા,તા.૨૫ : પ્રખ્યાત પરમાણુ વૈજ્ઞાનિક શેખર બાસુનું ગુરૂવારે વહેલી સવારે કોલકાતાની એક હોસ્પિટલમાં કોવિડ-૧૯ના કારણે નિધન થયું હતું. તેઓ એટોમિક એનર્જી કમિશન (AEC)ના પૂર્વ ચેરમેન, ભાભા એટોમિક રિસર્ચ (BARC)સેન્ટરના ડિરેકટર અને ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીના સેક્રેટરી હતા.

ત્રણ દિવસ પહેલા જ બાસુ ૬૮ વર્ષના થયેલા બાસુને ૧૫મી સપ્ટેમ્બરે ઓકિસજનની કમી અને કિડનીની તકલીફના કારણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

શેખર બાસુના નિધન પર વડાપ્રધાન નરેન્દ્રમોદીએ શોક વ્યકત કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, 'પ્રખ્યાત પરમાણુ વૈજ્ઞાનિક શેખર બાસુના નિધનના આ સમયે હું પરમાણુ ઉર્જા બિરાદરીની સાથે છું. તેમણે પરમાણુ વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ભારતને અગ્રણી દેશોમાં સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. મારી સંવેદનાઓ તેમના પરિવારજનો અને મિત્રોની સાથે છે. ઓમ શાંતિ'.

ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમમાં બાસુના યોગદાનને લઈને બાસુને ૨૦૧૪માં પદ્મ શ્રીથી સન્માનિત કરાયા હતા. તેમણે દેશના પ્રથમ પરમાણુ સંચાલિત સબમરિન INS અરિહંત માટે અત્યંત જટિલ રિએકટરના વિકાસની આગેવાની લીધી હતી. તેમણે દરિયાકિનારાની આવૃતિઓ માટે પરમાણુ પ્રસાર કાર્યક્રમનું માર્ગદર્શન આપવાનું ચાલુ રાખ્યું હતું.

બાસુ તારાપુર અને કલ્પકમ ખાતે પરમાણુ રિસાયકલ પ્લાન્ટની ડિઝાઈન, વિકાસ, બાંધકામ અને કામગીરીમાં પણ સામેલ હતા.

AEC ચેરમેન અને પરમાણુ વૈજ્ઞાનિક અનિલ કાકોડકરે કહ્યું હતું કે, 'આટલી નાની ઉંમરમાં તેમનું જતું રહેવું ખૂબ જ દુઃખદ છે. અમારા બધા કરતાં તેઓ નાના હતા. તેમનામાં મુશ્કેલ અને મોટા પ્રોજેકટ્સને સફળતાપૂર્વક હેન્ડલ કરવાની ક્ષમતા હતી. તેમણે પરમાણુ સબમરીન રિએકટર અને પરમાણુ રિસાયકલ કાર્યક્રમોમાં ઉત્ત્।મ કાર્ય કર્યું હતું. તેમના યોગદાનના કારણે દેશ આ ક્ષેત્રોમાં આજે સારૂ પ્રદર્શન કરી રહ્યો છે'.

૨૦ સપ્ટેમ્બર, ૧૯૫૨માં જન્મેલા શેખર બાસુએ કોલકાતાની બાલિગંજ સરકારી શાળામાંથી શાળાકીય શિક્ષણ લીધું હતું અને ૧૯૭૪માં  મુંબઈની વીરમાતા જીજાબાઈ ટેકનોલોજિકલ ઈન્સ્ટીટ્યૂટમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજયુએટ થયા હતા. BARCમાં એક વર્ષની પરમાણુ વિજ્ઞાન અને એન્જિનિયરિંગની ટ્રેનિંગ લીધા બાદ તેઓ ૧૯૭૫માં રિએકટર એન્જિનિયરિંગ વિભાગમાં જોડાયા હતા.

'તેઓ એક અત્યંત સક્ષમ ટેકનોલોજિસ્ટ હતા. તેમના છેલ્લા કેટલાક પ્રોજેકટ્સમાંથી એક કે જેમાં તેમને ખૂબ રસ હતો તે મેડિકલ આઈસોટેપ પ્રોડકશન માટે સાઈકલોટ્રોન ટેકનોલોજી વિકસિત કરવાનો હતો', તેમ DAEએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું.

(10:34 am IST)