Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ઓ..હો..હો..પોલીસ અધિકારી પાસે ૭૦ કરોડની ગેરકાયદેસર સંપત્તિ

ગેરકાયદેસર સંપત્તિને શોધવા માટે રાજયના ૨૫ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા

હૈદરાબાદ,તા.૨૫:તેલંગાણા પોલીસના એક અધિકારી પાસે ૭૦ કરોડ રૂપિયાની અવૈધ સંપત્તિ મળી આવી છે. રાજયના એન્ટી કરપ્શન બ્યૂરોએ ઘણા દરોડા પછી આ ખુલાસો કર્યો છે. નરસિમ્હા રેડ્ડી નામના અધિકારીએ ૧૯૯૧માં એક ઇન્સપેકટર તરીકે પોલીસ વિભાગમાં નોકરી શરૂ કરી હતી. આસિસટન્ટ કમિશ્નરના પદ પર પ્રમોશન થોડા સમય પહેલા જ થયું છે અને તે મલ્કાજગિરીમાં પોસ્ટેડ છે.

એસીબીએ નરસિમ્હા રેડ્ડીને સ્પેશ્યલ કોર્ટ સામે રજુ કર્યા છે. મેડિકલ ટેસ્ટ પછી રિમાન્ડની માંગણી કરવામાં આવશે. એસીબીના ડાયરેકટર જનરલ પૂર્ણચંદ્ર રાવના ઓફિસ તરફથી જાહેર કરેલ પ્રેસ રિલીઝ પ્રમાણે નરસિમ્હા રેડ્ડીની સંપત્તિને શોધવા માટે રાજયના ૨૫ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા વારંગલ, જનગાંવ, નાલગોંડા, કરીમનગર અને આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લામાં પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં એસીબીને નરસિમ્હા રેડ્ડીની ઘણી સંપત્તિઓનો ખુલાસો થયો છે.

ઉલ્લેખનીય છે કે તેલંગાણામાં અન્ય એક ભ્રષ્ટાચારના મામલામાં એસીબીએ આ મહિનામાં બીજી મોટી કાર્યવાહી કરી છે. ઇન્સ્યોરન્સ મેડિકલ સર્વિસિસ (આઈએમએસ)ના પૂર્વ નિર્દેશક અને અન્ય એક અધિકારી સાથે જોડાયેલ ૪.૪૭ કરોડ રૂપિયાની અધોષિત રકમ જપ્ત કરવામાં આવી છે. આઈએમએસના પૂર્વ નિર્દેશક દેવિકા રાનીની ૩.૭૫ કરોડ રૂપિયાની અધોષિત રકમ અને ઇએસઆઈ ફાર્માસિસ્ટ નાગા લક્ષ્મીની ૭૨ લાખ રૂપિયાની સંપતિ જપ્ત કરવામાં આવી છે.

બંને અધિકારીઓએ રહેણાંક વિસ્તારમાં ફ્લેટ અને પોતાના પરિવારના સભ્યોના નામે લગભગ ૧૫,૦૦૦ વર્ગફૂટની સંપત્તિ ખરીદવામાં અધોષિત રકમનું રોકાણ કર્યું છે.

(11:36 am IST)