Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

રશિયામાં જનતા માટે ઉપલબ્ધ થઈ કોવિડ વેકિસન

રશિયાનું કહેવું છે કે કોરોના વાયરસના આ સંકટમાં કોરોનાને ખતમ કરવા માટે સ્પુતનિક-v વેકિસન ખુબ ઉપયોગી સાબિત થશે

નવી દિલ્હી,તા.૨૫: દેશ અને દુનિયામાં કોરોના વાયરસનો કેર જારી છે. દુનિયામાં અત્યાર સુધી ૩.૨૨ કરોડ લોકો વાયરસથી સંક્રમિત થયા છે. તો વિશ્વના ઘણા દેશમાં કોરોના વાયરસને રોકવા વેકિસનની શોધ કરવામાં આવી રહી છે. આ વચ્ચે રશિયાએ કોરોના વાયરસની વેકિસન બનાવવાનો દાવો કર્યો હતો અને હવે રશિયાની કોરોના વેકિસન જનતા માટે ઉપલબ્ધ છે.

રશિયાએ કોરોના વાયરસની વેકિસનને 'સ્પુતનિક-v'  આપ્યું છે. તો રશિયાનું કહેવું છે કે કોરોના વાયરસના આ સંકટમાં કોરોનાને ખતમ કરવા માટે સ્પુતનિક-v વેકિસન ખુબ ઉપયોગી સાબિત થશે. આ કડીમાં હવે રશિયાએ જનતા માટે કોરોના વેકિસન ઉપલબ્ધ કરાવી દીધી છે. સ્થાનિક મીડિયા પ્રમાણે કોરોના વાયરસ વેકિસન 'સ્પુતનિક-v'નો પહેલો જથ્થો રાજધાની મોસ્કોમાં લોકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

મહત્વનું છે કે ઓગસ્ટ મહિનામાં રશિયાના ગામાલેયા સાઇન્ટિફિક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે Sputnik V વેકિસન લોન્ચ કરી હતી. લોન્ચિંગ બાદ આ વેકિસન ખુબ ચર્ચામાં છે. હવે વેકિસનને રશિયા બીજા દેશોમાં પણ સપ્લાઈ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે. ભારતને પણ રૂશની વેકિસન હાસિલ થઈ શકે છે. ભારતના લોકો માટે પણ રશિયાની વેકિસનને લઈને વાતચીત ચાલી રહી છે. વેકિસન સપ્લાઈની આ પ્રક્રિયા ટ્રાયલ પૂરી થયા બાદ વર્ષના અંતમાં શરૂ થઈ શકે છે. આ વેકિસનને મંજૂરી આપતા પહેલા ભારતમાં લોકો પર તેની કિલનિકલ ટ્રાયલ કરવામાં આવશે.

(11:39 am IST)