Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ભારતનું વિદેશી હૂંડિયામણ 545 અબજ ડોલરની નવી ટોચની સપાટીએ પહોંચ્યું

ગોલ્ડ રિઝર્વ 58 કરોડ ડોલર ઘટીને 37.44 અબજ ડોલર થયુ

નવી દિલ્હી : ભારતના વિદેશી હૂંડિયામણમાં વૃદ્ધિની ચાલ યથાવત્ રહી છે અને સતત નવા શિખરસર કરી રહ્યુ છે. રિઝર્વ બેન્કના આંકડા મુજબ 18મી સપ્ટેમ્બર, 2020ના રોજ ભારતનું ફોરેક્સ રિઝર્વ 3.37 અબજ ડોલર વધીને 545.03 અબજ ડોલરની ઓલટાઇમ હાઇ લેવલનું સ્પર્શી ગયુ છે. જ્યારે તેની પૂર્વે 11 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વ 35.3 કરોડ ડોલર ઘટીને 541.66 અબજ ડોલર થયુ હતુ.

સમિક્ષાધીન સમયગાળા દરમિયાન વિદેશી હૂંડિયામણાં સતત વૃદ્ધિએ ફોરેન કરન્સી એસેટ્સ (એફસીએ)માં વધારાને આભારી છે જે કુલ ફોરેક્સ રિઝર્વમાં સૌથી વધારે યોગદાન આપે છે. રિઝર્વ બેન્કના આંકડા મુજબ સમિક્ષાધીન સમયગાળામાં ફોરેન કરન્સી એસેટ્સ 3.94 અબજ ડોલર વધીને 501.46 અબજ ડોલર નોંધાયુ છે. ડોલર સિવાયની અન્ય કરન્સી જેવી કે યુરો, પાઉન્ડ અને યેન જેવી ગ્લોબલ કરન્સીના ડોલરની સામેના ઘસારાની અસર પણ એફસીએ પર પડે છે.

જો કે સમિક્ષાધીન સમયગાળામાં ભારતનું ગોલ્ડ રિઝર્વ 58 કરોડ ડોલર ઘટીને 37.44 અબજ ડોલર થયુ છે.

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે ભારતના સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ 10 લાખ ડોલર વધીને 1.48 અબજ ડોલર થયા છે. તો IMFમાં ભારતની રિઝર્વ પોઝિશન 1.4 કરોડ ડોલર વધીને 4.65 અબજ ડોલર થઇ ગઇ છે

(9:02 pm IST)