Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

દિલ્હીની રોહિણી કોર્ટમાં અંધાધૂંધ ફાયરિંગ થવા મુદ્દે વકીલોએ એક દિવસની હડતાલ જાહેર કરી

આમ આદમી પાર્ટીએ આ માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણી

નવી દિલ્હી :  દિલ્હીની રોહિણી કોર્ટમાં અંધાધૂંધ ફાયરિંગ થવા મુદ્દે વકીલોએ એક દિવસની હડતાલ જાહેર કરી છે. દિલ્હીના વકીલોએ કોર્ટની સુરક્ષા વધારવાની માગણી સાથે એક દિવસ કામ બંધ રાખવાની જાહેરાત કરી છે. વકીલોએ કહ્યું હતું કે અગાઉ પણ રોહિણી કોર્ટ નજીક ગોળીબાર થઈ ચૂક્યો છે. છેલ્લાં થોડાંક વર્ષોની વાત કરીએ તો આ પાંચમી, છઠ્ઠી વખત ગોળીબાર થયો છે. છતાં સ્થિતિ સુધરતી નથી.

એ મુદ્દે રાજકીય આરોપો પણ લાગ્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તે માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવીને આરોપ લગાવ્યા છે. દિલ્હી પ્રદેશ કોંગ્રેસે કહ્યું હતું કે ધોળેદહાડે કોર્ટમાં ફાયરિંગ થાય છે એનો અર્થ એ કે દિલ્હીમાં જંગલરાજ ચાલી રહ્યું છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ આ માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણી છે. આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે પાટનગરની સુરક્ષા કેન્દ્ર સરકારના હસ્તક આવે છે. ગૃહ મંત્રીની સીધી દેખરેખ હેઠળ પાટનગરની સુરક્ષા હોવા છતાં શહેરમાં ગેંગસ્ટર્સ ગમે ત્યારે ગમે ત્યાં અંધાધૂંધ ફાયરિંગ કરે છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ ઘટનાને દેશ માટે શરમજનક ગણાવીને પાટનગરની સુરક્ષા વધારવાની માગણી કરી હતી.

(12:10 am IST)