Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

બાઇડન-મોદી મુલાકાત

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ભૂમિકા પર ભારત, અમેરિકાએ વ્યકત કરી ચિંતા

વોશિંગ્ટન,તા. ૨૫: અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસ દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી જૂથોની ઉપસ્થિતીનો સ્વીકાર કર્ર્યાના એક દિવસ પછી ભારત અને અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ઇસ્લામાબાદની ભૂમિકા પર ચિંતા વ્યકત કરી છે.

વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ બાઇડન વચ્ચે થયેલ દ્વિપક્ષિય બેઠક પર બોલતા વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યુ કે બન્ને પક્ષોએ અફઘાનિસ્તાનમાં આતંકવાદનો મુકાબલો કરવાના મહત્વને રેખાંકિત કર્યું.

તેમણે કહ્યું 'મને લાગે છે આ બાબતે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ભુમિકા અને એક નિશ્ચીત દ્રષ્ટિકોણ સાથે તે ચાલુ રહેવા અંગે ભારત-અમેરિકાની ચિંતા સ્પષ્ટ છે. અફઘાનિસ્તાન કેવું હોવું જોઇએ એ આંતરરાષ્ટ્રીય સમુદાયની આશાઓને અનુકુળ નથી'

શ્રૃંગલા અનુસાર પીએમ મોદી અને રાષ્ટ્રપતિ બાઇડને તાલિબાનને એ સુનિશ્ચિત કરવા આહવાન કર્યું કે અફઘાન વિસ્તારનો ઉપયોગ કોઇ પણ દેશના આતંકવાદી જૂથોને શરણ આપવા અથવા ટ્રેઇનીંગ આપવા કે ધમકી આપવા હુમલો કરવા માટે ના થવો જોઇએ.

(10:14 am IST)