Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

જીએસટી.. સપ્ટેમ્બર માસના રીટર્નમાં ક્રેડિટની વધઘટ બતાવવાની છેલ્લી તક

વધારાની આઇટીસી માટે કાર્યવાહી થશે, લેવાની બાકી હશે તો જતી કરવી પડશે

નવી દિલ્હી,તા. ૨૫: દર વખતે નાણાકીય વર્ષ પૂરૂ થયાના છ મહિનામાં જીએસટી ક્રેડિટ વધઘટની ગણતરી કરીને તે મહિને ભરવામાં આવતા રીટર્નમાં તેનો ઉલ્લેખ કરી દેવાનો હોય છે. જો તે કરવામાં વેપારીએ ચુક કરી તો વધારાની લીધેલી ક્રેડિટ માટે નોટીસ સહિતની કાર્યવાહીનો સામનો કરવી પડી શકે છે. જ્યારે ઓછી ક્રેડિટ લીધી હોય તો તે ક્રેડિટ જતી રહેતી હોય છે. જેથી નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના વર્ષની ક્રેડિટ મજરે લેવા માટે સપ્ટેમ્બર મહિનાના રીટર્નમાં તેનો ઉલ્લેખ કરવાનો હોય છે.

જીએસટી લાગુ થયુ ત્યારથી જ નિયમ બનાવવામાં આવ્યો છે કે નાણાકીય વર્ષ પુરૂ થયા બાદ કેટલાક વેપારીઓએ વધારાની ક્રેડિટ લીધી હોય છે. જેથી તે વેપારીઓએ નાણાકીય વર્ષ પુરૂ થયા બાદના છ માસમાં રીટર્નમાં વધારાની લીધેલી ક્રેડિટનો ઉલ્લેખ કરીને તેને રીવર્સ કરવાની હોય છે. આ ઉપરાંત જે વેપારીએ સમગ્ર વર્ષનું સરવૈયુ જોતા ઓછી ક્રેડિટ લીધી હોય તો તે ક્રેડિટ પણ જમા તરીકે સપ્ટેમ્બર માસના રીટર્નમાં દર્શાવીને તેનો લાભ લઇ શકે છે. જો તેમ કરવામાં નહી આવે તો ક્રેડિટ જતી રહેતી  હોય છે. એટલે કે ત્યારબાદ તે ક્રેડિટનો કલેઇમ વેપારી કરી શકતો નથી.

  • આ રિટર્ન આખા વર્ષની ગણતરી કરીને જ ભરવું

સપ્ટેમ્બર માસમાં ભરવાના થતા રીટર્નમાં સમગ્ર વર્ષ દરમિયાનની ક્રેડિટની પુરતી ગણતરી કર્યા બાદ જ રીટર્ન ભરવું જોઇએ. જો તેમ કરવામાં આવે તો ક્રેડિટ મજરે મળી શકતી હોય છે. જેથી સપ્ટેમ્બર માસના રીટર્ન ભરતી વખતે પુરતી તકેદારી રાખવામાં આવે તો વેપારીઓને નુકશાન થતુ અટકી શકે તમે છે. કારણ કે રીટર્ન ભરાયા પછી ક્રેડિટ હોવા છતા કલેઇમ કરવાનું રહી ગયુ તો તે વેપારીને મળતી નહિં હોવાની જોગવાઇ કાયદામાં જ કરવામાં આવી છે.

-અતીતી દિલીપ શાહ, સી.એ.

(10:15 am IST)