Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

મહિલાઓનું યૌન શોષણ કરનાર આરોપીના જામીન મંજૂર કરવા બદલ કોર્ટે મૂકી ગજબ શરતઃ કરવી પડશે નાળાની સાફ સફાઇ

પટણા,તા. ૨૫: બિહારની એક અદાલતે ગત મહિને નાળાની સાફ-સફાઇ અને દેખરેખ રાખવાની શરત પર મહિલાનું યૌન શોષણ કરનાર આરોપી એક વ્યકિતના જામીન મંજૂર કર્યા. મધુબનીના ઝંઝારપુરના એડિશનલ સેશન્સ જજ અવિનાશ કુમારે અરજદારના વકીલના નિવેદનને ધ્યાનમાં લેતા આ શરત મૂકી કે પોતાના દ્યરની સામે સ્થિત નાળાની સફાઇ, દેખરેખ અને જાળવણી કરશે.

જામીન અરજી અરજદાર રુસ્તમ દ્વારા કરવામાં આવી હતી જે ૨૪ એપ્રિલ ૨૦૨૧થી જેલમાં કેદ છે. આરોપી પર આઇપીસીની ધારા ૩૪૧, ધારા ૩૨૩, ધારા ૩૦૮, ધારા ૩૨૪ (સ્વેચ્છાએ ખતરનાક હથિયારો અથવા સાધનોથી ઇજા પહોંચાડવી), ૩૫૪ બી (આક્રમણ કરવાના ઇરાદે મહિલા પર હુમલો અથવા આપરાધિક બળનો ઉપયોગ), ૩૭૯ (ચોરી), ધારા ૫૦૪, ધારા ૫૦૬ (આપરાધિક ધમકી) સાથે જ ભારતીય દંડ સંહિતાની ધારા ૩૪ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.

FIRમાં આરોપ અનુસાર ફરિયાદકર્તા મોહમ્મદ અમજદનું કહેવુ છે કે ૧૧ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ પોતાની દિકરીના લગ્નના અવસરે આરોપી-અરજદારે કથિતરૂપે અનેક મહિલાઓનું યૌન શોષણ કર્યુ અને ફરિયાદ કરનાર પક્ષ પર કથિતરૂપે હુમલો કરીને મારપીટ કરી હતી. અરજદારના વકીલે રજૂઆત કરી કે તે પોતાના અધિકારના પૂર્વગ્રહ વિના પોતાની વાસ્તવિકતા રજૂ કરવા માટે કેટલીક સામાજિક સેવા કરવા માટે તૈયાર છે. તેથી એ.પી.પીના સૂચન પર અરજદારના વકીલે સહમતિ વ્યકત કરી કે અરજદાર પોતાના ઘરની સામે સ્થિત નાળાની સફાઇ, જાળવણી અને દેખરેખ રાખશે.

'..તેને નીચલી અદાલતની સંતુષ્ટિ અનુસાર ૧૦,૦૦૦ રૂપિયાના બે જામીનદારો સાથે ૧૦,૦૦૦ રૂપિયાના જામીન બોન્ડ રજૂ કરવા પર જામીન પર મુકત કરવાનો નિર્દેશ આપવામાં આવે છે, આ શરત સાથે કે અરજદારના વકીલના નિવેદન અનુસાર અરજદાર પોતાના ઘરની સામે સ્થિત નાળાની સફાઇ, જાળવણી અને દેખરેખ રાખશે.'

(10:16 am IST)