Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

ઘર તૂટ્યું, પત્ની જતી રહી, પિતા સાયકલ રીક્ષાને જ છત બનાવી બે બાળકોને ભણાવી રહ્યા છે

મક્કમ મન સાથે મુશ્કેલ પરિસ્થિતીનો સામનો કરી શકાય છે : ગણેશ ૯ વર્ષીય ગંગા અને ૭ વર્ષીય અરૂણને રસ્તા પર ભણાવી રહ્યો છે

નવી દિલ્હી,તા. ૨૫: પિતા પેટે પાટાં બાંધીને પોતાના બાળકોને ભણાવી ગણાવીને મોટા કરે છે. ભલે ગમે તેવી મુશ્કેલભરી પરિસ્થિતિમાં એક પિતા હાર માનતો નથી. અને પોતાના પરિવાર માટે તે આકાશ અને પાતાળ એક કરીને તેમનું ગુજરાન ચલાવે છે. આવો જ એક ઈમોશનલ કિસ્સો સામે આવ્યો છે કે, જેને જાણીને તમારી આંખો ભરાઈ આવશે. દ્યર તૂટ્યા બાદ, પત્ની બે બાળકોને મૂકી પત્ની જતી રહી હતી. પણ પિતાએ હાર ન માની. અને સાયકલ રીક્ષાને જ છત બનાવીને બે બાળકોને ભણાવી રહ્યા છે.

૩૮ વર્ષીય ગણેશ સાહૂની એક એવી તસવીર શેર કરી છે, જેને જોઈને આંખમાં આંસુ આવી જાય. ૩૮ વર્ષીય સાહૂ એક પિતા છે, અને સાયકલ રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગણેશના બે બાળકો છે. જેમાં ૯ વર્ષીય દીકરી ગંગા અને ૭ વર્ષીય પુત્ર અરુણ છે.

ગેરકાયદે દબાણને કારણે ગણેશ સાહૂનું ઝૂપડું તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. જે બાદ તે પરિવાર સાથે રસ્તા પર આવી ગયો હતો. મુશ્કેલીના આ સમયમાં ગણેશ પર પડદા પર પાટું પડ્યું હતું. તેની પત્ની આ પરિસ્થિતિમાં ગંગા અને અરુણને ગણેશની પાસે જ છોડીને જતી રહી હતી. એકસાથે બે-બે ઉપાધિઓએ ગણેશના જીવનને હચમચાવી નાખ્યું હતું.

જીવનમાં આવી ચઢેલી આ આફત સામે અન્ય કોઈ માણસ હિંમત હારી જાત. પણ ગણેશે હાર ન માની. ભલે દ્યર તૂટ્યું કે પત્ની જતી રહી. પણ પોતાના બે બાળકોની જવાબદારીથી ગણેશ છટકી ન ગયો. તેણે પોતાની સાયકલ રીક્ષાને જ છત બનાવી દીધી હતી. અને પોતાના બાળકોનું જીવન પણ તેના જેવું ન બને તે માટે તે બંને બાળકોને ભણાવવા માગે છે. આ કઠિન પરિસ્થિતિમાં તે રસ્તાની એકબાજુ ચાદર નાખીને બંને બાળકોને ભણાવે છે.

ગણેશ સાયકલ રીક્ષા ચાલક હોવાથી જો તે રીક્ષા ન ચલાવે તો પૈસા ન મળે અને બીજી બાજુ બાળકોના ઉછેરની ચિંતા. તેમ છતાં ગણેશ જિંદગી સામે મજબૂત રીતે લડાઈ આપી રહ્યો છે. ગણેશનો આ કિસ્સો એવાં તમામ લોકો માટે પ્રેરણા સમાન છે કે જેઓ જીવન સામે હાર માની ચૂકયા છે. ગણેશ પ્રેરણા આપે છે કે, જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ તે આફત કેમ ન આવી ચઢે, પણ માણસ મક્કમ હોય તો ગમે તે પરિસ્થિતિનો મજબૂતી સાથે સામનો કરી શકે છે.

(10:18 am IST)