Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

પંજાબમાં કેબીનેટ વિસ્તરણ ગોટે ચડયુ?

કોંગ્રેસ નેતાઓ સાથે અનેક બેઠકો પછી પણ મુખ્યમંત્રી ચન્ની નામ નક્કી કરી શકયા નહી

ચંદીગઢઃ પંજાબમાં કોંગ્રેસે મુખ્યપ્રધાન તો બદલી નાખ્યા પણ કેબીનેટ નક્કી કરવામાં હજુ પણ મુશ્કેલી છે. રાજયના નવા મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્ની ચંદીગઢથી દિલ્હી આવીને કોંગ્રેસના ઘણાં મોટા નેતાઓ સાથે મુલાકાત કરી ચૂકયા છે પણ પોતાની કેબીનેટને અંતિમ સ્વરૂપ આપવામાં સફળ નથી થયા. અડધો ડઝન નવા ચહેરાઓને સામેલ કરવાની વાત વચચે કોંગ્રેસ હાઇકમાન્ડે કેબીનેટને અંતિમ રૂમ આપવા શુક્રવારે દિલ્હીમાં ચન્ની સાથે  વધુ એક વખત વાતચીત કરી હતી.

ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને કોંગ્રેસના સંગઠન મહામંત્રીકેસી વેણુગોપાલ સાથે કેટલીય બેઠકો પછી દિલ્હીથી ચંદીગઢ પહોંચ્યાના થોડા કલાકમાં જ કેન્દ્રિય નેતાગીરી દ્વારા ચન્નીને પાછા દિલ્હી બોલાવાયા હતા. છેલ્લા થોડા દિવસમાં ચન્નીની આ ત્રીજી દિલ્હી યાત્રા છે.

સૂત્રોએ જણાવ્યું કે રાજયના પ્રધાનમંડળમાં કેટલાક નવા ચહેરાઓ દેખાવાની શકયતા છે. જેમાં પરગટસિંહ, રાજકુમાર વેસ્કા, ગુરકિરત સિંહ કોરલી, જેવા નામોની ચર્ચા છે. પરગટ સિંહ, નવજોત સિંહ સિધ્ધુના ખાસ ગણવામાં આવે છે. દરમ્યાન, અકાલીદળના અધ્યક્ષ સુખાબીરસિંહે બાદલે શુક્રવારે મુખ્યપ્રધાન ચરણજીતસિંહ ચન્નીને 'સુપર સી એમ' (સીધ્ધુ)ના રબ્બર સ્ટેમ્પ બનવાથી બચવાની સલાહ આપતા કહ્યું કે તેઓ જે પદ પર છે તેનું ગૌરવ જાળવી રાખે.

(11:36 am IST)