Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

પીએમ પાસે રોકડા માત્ર ૩૬૦૦૦: કુલ સંપતિ રૂ.૩.૦૭ કરોડ

ગયા વર્ષે તેમની સંપત્તિ હતી રૂ. ૨.૮૫ કરોડઃ ૨૨ લાખની થઇ વૃદ્વિઃ વડાપ્રધાન પાસે પોતાનું વાહન નથી : શેરબજારમાં રોકાણ નથી કરતાઃ બેંક કે સુરક્ષિત ક્ષેત્રે નિવેશ કરે છેઃ સંપતિ વધી તે પાછળ ફીકસનું વ્યાજ છેઃ ૧.૬ કરોડની ફીકસ હતી જે વધીને રૂ.૧.૮૬ કરોડની થઇ

નવી દિલ્હી, તા.૨૫: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કુલ સંપતિ ૩.૦૭ કરોડ હોવાનું તેમના નવા ડેકલેરેશનમાં કહેવાયું છે. આધિકારીક ડેટા અનુસાર ગયા વર્ષની તેમની ૨.૮૫ કરોડની સંપતિમાં ૨૨ લાખનો વધારો થયો છે.

ઘણાં અન્ય પ્રધાનોની જેમ પીએમ મોદીનું પણ શેરબજારમાં કોઇ રોકાણ નથી અને તેમનું રોકાણ રાષ્ટ્રીય બચત પત્રો (૮.૯ લાખ) જીવન વિમા પોલિસીઓ (૧.૫ લાખ) અને એલએન્ડટી ઇન્ફ્રાસ્ટ્રકચર બોન્ડ જે તેમણે ૨૦૧૨માં ખરીદ્યા હતા તેમાં ૨૦૦૦૦નું રોકાણ છે.

તેમની સંપત્તિમાં વધારો મુખ્યત્વે તેમની એસબીઆઇની ગાંધીનગર બ્રાંચમાંની ફીકસ્ડ ડીપોઝીટના લીધે થયો છે. વડાપ્રધાન દ્વારા ફાઇલ કરાયેલ સેલ્ફ ડેકલેરેશન અનુસાર ગયા વર્ષે તેમની એફડી ૧.૬ કરોડ હતી જે ૩૧ માર્ચે ૧.૮૬ કરોડ થઇ છે.

વડાપ્રધાન મોદી પાસે પોતાનું કોઇ વાહન નથી. તેમની પાસે ચાર સોનાની વીંટી છે જેની કિંમત ૧.૪૮ લાખ થાય છે. તેમનું બેંક બેલેન્સ ૧.૫ લાખ અને હાથ પરની રોકડ ૩૧ માર્ચ ૨૦૨૧ના રોજ ૩૬,૦૦૦ રૂપિયા હતી જે ગયા વર્ષ કરતા ઓછી હતી.અટલ બિહારી વાજપેયીના કાર્યકાળથી સરકારે નક્કી કર્યુ હતું કે બધા કેન્દ્રિય પ્રધાનો જાહેર જીવનમાં પારદર્શકતા માટે દરેક નાણાંકીય વર્ષના અંતે સ્વયં પોતાની સંપત્તિ અને જવાબદારીઓ જાહેર કરશે.૨૦૧૪માં પીએમ બન્યા બાદ તેમણે કોઇ સંપત્તિ નથી લીધીઃ ૨૦૦૨માં ખરીદેલુ એકમાત્ર રહેણાંક સંપત્તિનું મૂલ્ય ૧.૧ કરોડ છે. જે સંયુકત છે અને તેમનો ચોથો ભાગ છે. જે ગાંધીનગર સેકટર-૧માં છે. જે ૩૫૩૧ વર્ગફુટનો પ્લોટ છે. તે વખતે ૧.૩ લાખ તેની કિંમત હતી.

(11:39 am IST)