Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

સત્તાવાર ઇ-મેઇલમાં મોદીના ફોટા સામે કોર્ટને વાંધો

સુપ્રિમ કોર્ટના ઇ-મેઇલમાંથી 'સબ કા સાથ સબકા વિશ્વાસ' સ્લોગન અને વડાપ્રધાનની તસ્વીર હટાવી લેવાઇ

કોર્ટે પીએમનો ફોટો હટાવી કોર્ટનો ફોટો વાપરવા આદેશ આપ્યો

નવી દિલ્હી, તા.૨૫: સુપ્રીમ કોર્ટના ઓફિશ્યલ મેલ આઇડીની ફુટનોટ પર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ફોટો અને કેન્દ્ર સરકારનો નારો 'સબકા સાથ, સબકા વિકાસ ઔર સબકા વિશ્વાસ' વાપરવા બાબતે મામલો ગરમી પકડી ગયો હતો. આ ફોટા પર સુપ્રીમ કોર્ટ દ્વારા વાંધો રજૂ  કરાયા પછી તેને હટાવી દેવાયો છે.

સુપ્રીમ કોર્ટ રજીસ્ટ્રારે ઇ-મેલ અંગેની સુવિધા ઉપલબ્ધ કરાવનાર નેશનલ ઇન્ફોર્મેીક સેન્ટરને એ નિર્દેશ આપ્યો છે કે આ સ્લોગનને હટાવો અને વર્તમાન ફોટાની જગ્યાએ સુપ્રીમ કોર્ટના ફોટોનો ઉપયોગ કરે. ત્યારપછી નવા ફોટા તરીકે સુપ્રીમ કોર્ટનો ફોટો વપરાઇ રહ્યો છે.

ગુરૂવાર (૨૨ સપ્ટેમ્બર) એ મોડી સાંજે કેટલાક વકીલો દ્વારા વાંધો ઉઠાવાયા પછી રજીસ્ટ્રારના ધ્યાનમાં એ વાત આવી કે સુપ્રીમ કોર્ટના ઓફીશયલ ઇ-મેઇલ સાથે વડાપ્રધાન મોદીનો ફોટો અને એક ચુંટણી નારો પણ જઇ રહ્યો છે જેનો ન્યાયપાલિકાના કામ સાથે કોઇ સંબંધ નથી. શુક્રવાર (૨૩ સપ્ટેમ્બર) એ તેને હટાવવાના આદેશ બહાર પાડવામાં આવ્યા હતા.

સુપ્રીમ કોર્ટ એડવોકેટસ - ઓન- રેકોર્ડ એસોસીએશનના વોટસએપ ગ્રુપ પર આ વાંધો ઉઠાવાયો હતો. તેમાં મેસેજમાં કહેવાયું હતું કે સુપ્રીમ કોર્ટ એક સ્વતંત્ર અંગ છે, સરકારનો ભાગ નથી એટલે આપને વિનંતી છે કે આ મુદો સીજેઆઇ સમક્ષ મુકીને વિરોધ નોંધાવવો.

(11:40 am IST)