Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

સોમવારે ખેડૂતોના ભારત બંધના સમર્થનમાં ગુરગ્રામમાં સાંજે મશાલરેલી

દેશની જનતાને તેમજ રાજકીય પક્ષોને લોકશાહી અને સંઘવાદના સિદ્ધાંતોનું રક્ષણ કરવા ખેડૂતોની સાથે ઉભા રહેવા અપીલ

નવી દિલ્હી : કેન્દ્રીય કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા સંકયુક્ત કિસાન મોરચા (SKM)ના નેતૃત્વ હેઠળ 27 સપ્ટેમ્બરના ભારત બંધ માટે સમર્થન એકત્ર કરવા માટે શનિવારે હરિયાણાના ગુરુગ્રામમાં મશાલ રેલીનું આયોજન છે. અહેવાલો મુજબ  મશાલ રેલી શહેરના સદર બજાર વિસ્તારથી સાંજે 6 વાગ્યે શરૂ થશે અને સોહના રોડ પર સમાપ્ત થશે. રેલીમાં ભાગ લેનારા ખેડૂતો મશાલ સાથે કૂચ કરશે અને નાગરિકોને નવા કૃષિ કાયદાઓ તેમના માટે કેવી રીતે જોખમી છે તે અંગે તેમના વિરોધ સાથે એકતા વ્યક્ત કરવા વિનંતી કરશે.

ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસે આશા વ્યક્ત કરી છે કે રેલીમાં 200 થી વધુ લોકો હોઈ શકે છે. એક સભ્યએ કહ્યું હતું કે કિસાન અનાજ દાતા છે અને તે જરૂરી છે કે લોકો વિવાદસ્પદ કૃષિ કાયદાને લઈને તેમની સાથે શામેલ થાય.

કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા ત્રણ કૃષિ કાયદાઓ સામે ગયા વર્ષે 26 નવેમ્બરથી દેશભરના ખેડૂતો અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ત્રણેય કાયદા પાછા ખેંચવામાં આવે અને તેમને પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ પર કાયદાકીય ગેરંટી આપવામાં આવે. જો કે, સરકારે સતત કહ્યું છે કે નવા કાયદા ખેડૂત તરફી છે. SKM અને ભારતીય કિસાન સંઘના બેનર હેઠળ ખેડૂત નેતાઓએ કેન્દ્ર સરકાર સાથે અનેક રાઉન્ડની વાતચીત કરી છે. પરંતુ ત્યાં કોઈ વાસ્તવિક સફળતા મળી નથી અને પ્રશ્નો હજુ પણ વણ ઉકાયેલા છે.

ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કરતા 40 થી વધુ ખેડૂત સંગઠનોના સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ ત્રણ કૃષિ કાયદાઓનો વ્યાપક વિરોધ કરવા માટે 27 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું છે. દેશની જનતાને તેમજ રાજકીય પક્ષોને લોકશાહી અને સંઘવાદના સિદ્ધાંતોનું રક્ષણ કરવા ખેડૂતોની સાથે ઉભા રહેવાનું કહેતા SKM એ કહ્યું કે ખેડૂત વિરોધી મોદી સરકાર સામે ભારત બંધ મનાવવામાં આવી રહ્યો છે. તેમના ઐતિહાસિક સંઘર્ષને 10 મહિના પૂરા થયા છે.

ભારત બંધ સોમવારે સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધી યોજાશે. આ દરમિયાન, તમામ સરકારી અને ખાનગી કચેરીઓ, શૈક્ષણિક અને અન્ય સંસ્થાઓ, દુકાનો, ઉદ્યોગો અને વ્યાપારી સંસ્થાઓ તેમજ જાહેર કાર્યક્રમો સમગ્ર દેશમાં બંધ રહેશે. તે જ સમયે, હોસ્પિટલો, મેડિકલ સ્ટોર્સ, રાહત અને બચાવ કામગીરી સહિત તમામ કટોકટી સંસ્થાઓને મુક્તિ આપવામાં આવશે.

(12:35 pm IST)