Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી જેકલીન ફર્નાડીસ ઈડી સમક્ષ પૂછપરછમાં ગેરહાજર

ઈડીની નોટીસ થતા પૂછપરછમાં સામેલ ન થઈ : સતત બીજી વખત ગેરહાજર રહી

મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝે ED સામે મની લોન્ડ્રિંગ સાથે જોડાયેલા એક કેસમાં હાજર થવાનું હતું.જોકે, તે પૂછપરછ માટે દિલ્હીમાં હાજર થઇ નહતી. આ સતત બીજી વખત છે જ્યારે તે ઇડીની નોટિસ છતા પૂછપરછમાં સામેલ થઇ નહતી. જોકે, જેકલીન કોઇ શૂટિંગની વ્યસ્તતાને કારણે દિલ્હી આવી નથી કે કોઇ બીજુ કારણ છે તેની જાણકારી હજુ સુધી મળી નથી. આ ઘટના તિહાડ જેલમાં 200 કરોડની ખંડણી સાથે જોડાયેલી છે. જેનો માસ્ટરમાઇન્ડ સુકેશ ચંદ્રશેખર તિહાડ જેલમાંથી આખુ રેકેટ ચલાવી રહ્યો હતો.

જાણકારી અનુસાર, 200 કરોડની આ ખંડણી વસૂલવા માટે માસ્ટરમાઇન્ડ સુકેશ ચંદ્રશેખર ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને તિહાડ જેલની અંદરથી જ મોબાઇલ ફોન કરતો હતો. તપાસ એજન્સીના સુત્રોનું કહેવુ છે કે સુકેશ ચંદ્રશેખર તિહાડ જેલની અંદરથી જ જેકલિનને કૉલ સ્પૂફિંગ સિસ્ટમના માધ્યમથી ફોન કરતો હતો પરંતુ સુકેશ ચંદ્રશેખર પોતાની ઓળખ અને પદ મોટુ ગણાવીને બતાવતો હતો.

તપાસ એજન્સી અનુસાર, જ્યારે જેકલીન સુકેશની જાળમાં ફસાવા લાગી તો તેને મોંઘા ફૂલ અને ચોકલેટ ગિફ્ટ તરીકે મોકલવા લાગ્યો હતો. જેકલીન આ સમજી નહતી શકતી કે આ બધુ તિહાડ જેલમાં બંધ શાતિર ઠગ સુકેશ ચંદ્રશેખર કરી રહ્યો છે. તપાસ એજન્સીઓને સુકેશના મહત્વના કૉલ રેકોર્ડ હાથ લાગ્યા છે. જેના આધાર પર જેકલીન સાથે છેતરપિંડીની તપાસ એજન્સીઓને જાણકારી મળી શકી.

(2:20 pm IST)