Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

હિરાના વેપારીને ત્યાં આઇટીના પગલાઃ પ૦૦ કરોડની હેરાફેરી ઝડપાઇ

સુરત, નવસારી, મોરબી, વાંકાનેર, મુંબઇ સહીત કુલ ર૩ જેટલા સ્થળોએ ઇન્કમ ટેક્ષ ખાતાના દરોડાઃ સિક્રેટ જગ્યાએ છુપાવીને રાખ્યા હતા દસ્તાવેજોઃ જપ્ત : વેપારીએ હેરાફેરીના પૈસાથી બનાવી પ્રોપર્ટીઃ તપાસમાં પ૧૮ કરોડ રૂપીયાના હિરાની અઘોષીત ખરીદ-વેચાણ પકડાયું

નવી દિલ્હી, તા., ૨૫: સુરતના એક હિરાના વેપારીને ત્યાં આવકવેરા વિભાગે દરોડા પાડયા છે. વેપારીના ૨૩ જગ્યાઓ પર પાડવામાં આવેલા દરોડામાં પ૦૦ કરોડ રૂપીયાથી વધુની હેરાફેરી ઝડપી લેવામાં આવી છે. આયકર વિભાગના જણાવ્યા પ્રમાણે આ વેપારી હિરાનું મેન્યુફેકચરીંગ અને નિકાસનું કામ કરે છે. વેપારીના સુરત, નવસારી,મોરબી, વાંકાનેર અને મુંબઇમાં કુલ ર૩ જગ્યાઓ ઉપર રર મીએ દરોડા અને જપ્તીની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

આયકર અધિકારીના જણાવ્યા પ્રમાણે ગુપ્તચર બ્યુરોએ આપેલી માહીતીના આધારે આ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન દસ્તાવેજો વગેરેની તપાસમાં ૫૧૮ કરોડ રૂપીયાના હિરાની અઘોષીત ખરીદ-વેચાણ પકડી લેવામાં આવ્યું હતું. તેની સાથે જોડાયેલા દસ્તાવેજો અને આંકડાને ગુપ્ત જગ્યાએ રાખવામાં આવ્યા હતા અને તેની દેખરેખની જવાબદારી વેપારીના કેટલાક વિશ્વાસુ કર્મચારીઓ પાસે હતી.

આયકર વિભાગના જણાવ્યા પ્રમાણે હિરાના આ અઘોષીત વેપારના પૈસાનું વેપારીએ પ્રોપર્ટી અને સ્ટોક માર્કેટમાં રોકાણ કર્યુ હતું. દરોડા દરમિયાન ૧.૯પ કરોડની નહિ જાહેર કરાયેલી જવેલરી અને રોકડ જપ્ત કરવામાં આવી હતી. સાથોસાથ ૮૯૦૦ કેરેટના હિરા કે જેનું મુલ્ય ૧૦.૯૮ છે તે પણ જપ્ત કરવામાં આવ્યા છે. બેંક લોંકરોની પણ ઓળખ થઇ છે.

તપાસમાં ખુલ્યું છે કે કંપનીના સંચાલકોએ ૯૦ કરોડના હિરાનો સ્ક્રેપ બારોબાર વેચી રોકડમાં નાણા લીધા હતા.  જમીન મિલ્કત, શેરની ખરીદી ચોપડા પર દર્શાવ્યા વિના જ વ્યહારો કરવામાં આવ્યા હતા. હિરા ઉપરાંત આ ગૃપ ટાઇલ્સ પણ બનાવે છે. આ ઓપરેશન દરમિયાન બિનહિસાબી ડેટા મોટા પ્રમાણમાં મળી આવ્યા છે. જેમાં બિનહિસાબી ખરીદી અને વેચાણની એન્ટ્રીઓ છે. આંગળીયાઓ દ્વારા રોકડની હેરાફેરી કરવામાં આવતી હતી.કંપનીએ રૂ.ર૭૪ર કરોડનું નાના હિરામાં વેચાણ ચોપડામાં દર્શાવયું હતું. જે સામે ખરીદી રોકડમાં થઇ હતી અને તેમાં ઘાલમેલ કરવામાં આવી હતી. કંપનીએ રૂ.૧૮૯ કરોડની ખરીદી બતાવી છે અને ર વર્ષમાં રૂ. ૧૦૪૦ કરોડનું વેચાણ દર્શાવ્યું છે.  હજુ આ ઓપરેશન ચાલુ છે અને કેટલા રૂપીયાનો ટેક્ષનો સરકારને ચુનો લગાડવામાં આવ્યો છે તે હવે બહાર આવશે.

(3:26 pm IST)