Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

કન્હૈયા કુમાર અને જિગ્નેશ મેવાણી ૨૮મીએ કોંગ્રેસમાં જોડાવાની શક્યતા

દેશના રાજકારણમાં મોટી હલચલના એંધાણ : પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં વરિષ્ઠ નેતાઓની અસર રહી ન હોઈ યુવાઓને તક આપવા રાહુલ ગાંધીને સલાહ આપી

નવી દિલ્હી, તા.૨૫ : જેએનયુના સ્ટુડન્ટ યુનિયનના પૂર્વ અધ્યક્ષ તેમજ ડાબેરી આગેવાન કન્હૈયા કુમાર તથા ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ૨૮ સપ્ટેમ્બરે કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે.

ન્યૂઝ એજન્સીએ સૂત્રોના હવાલાથી જાણકારી આપી છે. કન્હૈયા કુમારે તાજેતરમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને પછી રાજકીય મોરચે તેમના કોંગ્રેસમાં જોડાવા અંગે અટકળો શરૂ થઈ હતી. પહેલા કન્હૈયા કુમાર અને જિગ્નેશ મેવાણીએ પણ ચૂંટણીની રણનીતિ ઘડવા માટે જાણીતા પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી હતી.

એવુ કહેવાય છે કે, પ્રશાંત કિશોરે રાહુલ ગાંધીને સલાહ આપી હતી કે, કોંગ્રેસમાં વરિષ્ઠ નેતાઓની હવે કોઈ અસર નથી રહી. યુવાઓને તક આપવાની જરૂર છે અને માટે કન્હૈયા કુમાર અ્ને જિગ્નેશ મેવાણીને પાર્ટીમાં સામેલ કરવા જોઈએ. પ્રશાંત કિશોરનુ માનવુ છે કે, કન્હૈયા કુમારનો ભાષણ કરવાનો અંદાજ મતદારોને પંસદ આવી શકે છે.

જોકે અટકળો પર બિહાર કોંગ્રેસના કોઈ નેતા બોલવા માટે તૈયાર નથી. કેટલાકને લાગે છે કે, કન્હૈયાની એન્ટ્રીથી તેમનુ કદ ઘટશે. હાલમાં કન્હૈયા કુમાર સીપીઆઈમાં છે અને કન્હૈયા કુમારે કરેલી મારામારી સામે પાર્ટીમાં તેમના વિરોધમાં પ્રસ્તાવ પણ પસાર કરાયો હતો..

(7:11 pm IST)