Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

કેન્દ્ર સરકારનો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને ઇટાલી જવાની પરવાનગી આપવા ઇન્કાર

વેટિકનમાં યોજાનાર વિશ્વ શાંતિ સમ્મેલનમાં ભાગ લેવા જવાના હતા. આ કાર્યક્રમ મધર ટેરેસા પર કેન્દ્રિત હશે

નવી દિલ્હી :કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને ઇટાલી જવાની પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો છે.

મુખ્યમંત્રી મમતા બેનરજી આ વર્ષે ઓક્ટોબરમાં વેટિકનમાં યોજાનાર વિશ્વ શાંતિ સમ્મેલનમાં ભાગ લેવા જવાના હતા. આ કાર્યક્રમ મધર ટેરેસા પર કેન્દ્રિત હશે.

રિપોર્ટ્સ અનુસાર, ‘પૉલિટિકલ એન્ગલ’ને ધ્યાનમાં રાખતા મમતા બેનરજીને ઇટાલી જવાની મંજૂરી આપવામાં આવી નથી. આ ઇવેન્ટ જે લેવલનું છે તેની માટે એક રાજ્યના મુખ્યમંત્રીના ભાગીદારીને સાચી સમજવામાં નથી આવી. આ સમ્મેલનમાં જર્મન ચાંસલર એન્જેલા મર્કેલ, પોપ ફ્રાંસિસ અને ઇટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગી સામેલ થશે.

TMC પ્રવક્તા દેબાંગ્શુ ભટ્ટાચાર્ય દેવે મમતા બેનરજીને પરવાનગી ના આપવા પર પ્રતિક્રિયા આપી છે, તેમણે ટ્વીટ કર્યુ, “કેન્દ્ર સરકારે દીદીની રોમ યાત્રાની પરવાનગી આપી નથી. પહેલા તેમણે ચીન યાત્રાની પરવાનગી પણ રદ કરી નાખી હતી. અમે આંતરરાષ્ટ્રીય સબંધો અને ભારતના હિતોને ધ્યાનમાં રાખતા આ નિર્ણયને સ્વીકાર કરી લીધો હતો. હવે ઇટાલીની યાત્રાને લઇને મોદીજી આવુ કેમ થયુ? બંગાળ સાથે તમારી સમસ્યા શું છે?”

કોમ્યુનિટી ઓફ સેન્ટ એગિડિયોના પ્રેસિડેન્ટ પ્રોફેસર માર્કો ઇમ્પાગ્લિયાજોએ 6 અને 7 ઓક્ટોબરે આયોજિત થનારા કાર્યક્રમ માટે મમતા બેનરજીને આમંત્રણ મોકલ્યુ હતુ. આમંત્રણ પત્રમાં TMCના પ્રમુખને તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમની જીત માટે શુભેચ્છા પાઠવી હતી.

પત્રમાં મમતા બેનરજી દ્વારા ગત 10 વર્ષમાં સામાજિક ન્યાય, દેશના વિકાસ અને શાંતિ માટે કરવામાં આવેલા પ્રયાસો માટે પણ શુભેચ્છા પાઠવી હતી.

કોમ્યુનિટી ઓફ સેંટ એગિડિયો શાંતિ પર ભાર આપવા માટે 1987થી દર વર્ષે પ્રાર્થના કરે છે. આ દરમિયાન વિશ્વભરની હસ્તીઓ અહી આવે છે. આ પ્રથમ પ્રસંગ છે, જ્યારે મમતા બેનરજીને ઇન્ટરનેશનલ પીસ કૉન્ફ્રેસમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યુ હતુ.

(7:39 pm IST)