Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

મહારાષ્ટ્ર સરકારમાં ડખ્ખો ! : કોંગ્રેસ પક્ષના નેતાએ રાજ્યપાલને કરી સીએમ ઉદ્ધવ ઠાકરે સામે ફરિયાદ

રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પત્રમાં વિશ્વબંધુ રાયે લખ્યું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એક પ્રાદેશિક પક્ષના નેતા ,રાજ્યની વોટ બેંકને સંતોષવા માટે સાકીનાકા જેવી ઘટનાઓ માટે અન્ય રાજ્યોના લોકોને જવાબદાર ઠેરવ્યા

મુંબઈના સાકીનાકા બળાત્કાર અને હત્યા કેસમાં મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. આ કેસની તુલના દિલ્હીના નિર્ભયા કેસ સાથે કરવામાં આવી છે. આ મામલે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના ગૃહ વિભાગ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

આ બેઠકમાં, તેમણે નિર્દેશ આપ્યો હતો કે અન્ય રાજ્યોમાંથી મહારાષ્ટ્ર આવતા લોકોનો રેકોર્ડ રાખવામાં આવે, તેઓ ક્યાંથી આવે છે, ક્યાં જાય છે અને તેઓ શું કરે છે ? આ નિર્દેશને લઈને આ વખતે વિપક્ષી પાર્ટી ભાજપે નહીં, પરંતુ મહા વિકાસ આઘાડી સરકાર સાથે સત્તામાં રહેલા કોંગ્રેસના નેતા વિશ્વબંધુ રાયે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પત્ર લખીને મુખ્ય પ્રધાન પર નિશાન સાધ્યું હતું.

વિશ્વબંધુ રાયે તેમના પત્રમાં લખ્યું છે કે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એક પ્રાદેશિક પક્ષના નેતા છે. તે પોતાના રાજ્યની વોટ બેંકને લઈને ચિંતિત છે. તેમણે પોતાની વોટ બેંકને સંતોષવા માટે સાકીનાકા જેવી ઘટનાઓ માટે અન્ય રાજ્યોના લોકોને જવાબદાર ઠેરવ્યા છે. જ્યારે બળાત્કારીને ધર્મ, જાતિ, ભાષાના ચશ્માં દ્વારા ન જોવો જોઈએ. બળાત્કારી જે પણ હોય, તેની સજા ફાંસી જ હોવી જોઈએ. વિશ્વબંધુ રાય મુંબઈ કોંગ્રેસના સચિવ છે.

 આ કેસમાં ભાજપે મુખ્યમંત્રીનો પણ સખત વિરોધ કર્યો હતો અને સવાલ ઉઠાવ્યો હતો કે, શું મુખ્યમંત્રી કહેવાનો અર્થ એ છે કે બળાત્કારીઓ માત્ર પરપ્રાંતીય છે ? તો પછી મહારાષ્ટ્રના અડધો ડઝન મંત્રીઓ અને નેતાઓના નામે મહીલાઓના શોષણના કેસ નોંધાયેલા છે. તેઓ ક્યાંથી આવ્યા છે ? ભાજપના ધારાસભ્ય અતુલ ભાતખલકરે ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ કાંદિવલી પૂર્વ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો.

(10:19 pm IST)