Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

પૂર્વ નાયબ વડાપ્રધાન ચૌધરી દેવીલાલની 109મી જન્મ જયંતિ પર હરિયાણાના ફતેહાબાદમાં ‘સન્માન દિવસ રેલી’ કરાયું આયોજન

હરિયાણાના પૂર્વ સીએમ ઓમ પ્રકાશ ચૌટાલાએ નીતિશ સહિત 10 મોટા રાજ્યોના ભાજપ વિરોધી નેતાઓને રેલીમાં આમંત્રિત કર્યા છે. આવી સ્થિતિમાં નીતિશ મોદી સામે મોરચો રચી શકશે કે કેમ તે જોવું રહ્યું

નવી દિલ્‍હીઃ  પૂર્વ નાયબ વડાપ્રધાન ચૌધરી દેવીલાલની 109મી જન્મ જયંતિ પર હરિયાણાના ફતેહાબાદમાં ‘સન્માન દિવસ રેલી’ યોજાવા જઈ રહી છે. જેમાં બિહારના સીએમ નીતિશ કુમાર અને ડેપ્યુટી સીએમ તેજસ્વી હાજર રહેશે. હરિયાણાના પૂર્વ સીએમ ઓમ પ્રકાશ ચૌટાલાએ નીતિશ સહિત 10 મોટા રાજ્યોના ભાજપ વિરોધી નેતાઓને રેલીમાં આમંત્રિત કર્યા છે. આવી સ્થિતિમાં નીતિશ મોદી સામે મોરચો રચી શકશે કે કેમ તે જોવું રહ્યું. આ રેલીમાં ભાગ લીધા બાદ નીતિશ દિલ્હી પરત ફરશે. ત્યારે લાલુ યાદવ સોનિયા ગાંધીને મળવા તેમના નિવાસ સ્થાને પહોંચશે. તેજસ્વી યાદવ પણ સાંજે 6 વાગ્યે બેઠકમાં ભાગ લેશે. લાલુ-નીતિશ અને સોનિયા ભાજપ વિરોધી પક્ષોને એક કરવા માટે બેઠક કરશે. નીતિશ આ પક્ષોને સાથે લઈને 500 સીટો પર ભાજપને સીધી ટક્કર આપવા માંગે છે.

નીતિશ વિપક્ષને એકજૂથ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ અમિત શાહે બે દિવસ પહેલા બિહારની મુલાકાત લીધી હતી અને ચૂંટણીનું પરચમ વગાડ્યું હતું. પૂર્ણિયા જિલ્લામાં એક રેલીને સંબોધિત કરતા શાહે કહ્યું કે, બિહારની જનતા 2024ની લોકસભા ચૂંટણીમાં લાલુ-નીતિશની જોડીનો સફાયો કરશે. 2025માં પણ બિહારમાં ભાજપ પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે. શાહે કહ્યું કે નીતીશ વડા પ્રધાન બનવા માટે આરજેડી અને કોંગ્રેસની ગોદીમાં બેઠા હતા. નીતિશ કુમારે જ્યોર્જ ફર્નાન્ડિસ સાથે પણ છેતરપિંડી કરી હતી. માંઝી સાથે દગો કર્યો. હવે તેઓ ભાજપ સાથે દગો કરીને લાલુ પાસે ગયા હતા. આ છેતરપિંડી મોદીજી સાથે થઈ નથી. આવું બિહારના લોકો સાથે થયું છે.

નીતીશે આ મહિનાની શરૂઆતમાં શિક્ષકોની ભરતી કૌભાંડમાં સજા કાપીને જેલની બહાર આવેલા હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલા સાથે મુલાકાત કરી હતી. ચૌટાલાની આઈએનએલડી હરિયાણામાં એક પ્રાદેશિક પક્ષ છે, જેની પાસે 10 લોકસભા બેઠકો છે. ચૌટાલાની ગણના મોટા જાટ નેતાઓમાં થાય છે. હરિયાણાની સાથે પશ્ચિમ યુપીની 5થી વધુ બેઠકો પર પણ જાટ મતદારોનો પ્રભાવ છે. આ મહિને દિલ્હીની મુલાકાત દરમિયાન સૌથી પહેલા નીતિશ કુમાર રાહુલ ગાંધીને મળ્યા હતા. કોંગ્રેસ હાલ લોકસભામાં સૌથી મોટી પાર્ટી છે. 2019માં કોંગ્રેસે 52 બેઠકો જીતી હતી, જ્યારે 210 બેઠકો પર પાર્ટી બીજા ક્રમે આવી હતી. એટલે કે કુલ 262 બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસ ભાજપ સાથે સીધી સ્પર્ધામાં હતી. નીતિશ જો વિપક્ષને એકજૂથ કરવામાં સફળ થાય છે, અને તમામ પક્ષો એક થઈ જાય છે તો આગામી લોકસભા ચૂંટણીમાં 500થી વધુ સીટો પર ભાજપ સાથે સીધી ટક્કર થશે. નીતીશ જે પણ પાર્ટીઓ સુધી પહોંચી રહ્યા છે તે દક્ષિણથી ઉત્તર ભારત સુધી અસરકારક છે.

(2:00 pm IST)