Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

કોરોના મટયા બાદ દર્દીઓને લાંબા સમય સુધી રહી શકે છે પેટ-આંતરડાની તકલીફો

લખનૌ સ્થિત સંજય ગાંધી પોસ્ટગ્રેજયુએટ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ (SGPGI)ના સંશોધકો તેમજ બાંગ્લાદેશના વૈજ્ઞાનિકોએ સાથે મળીને સ્ટડી હાથ ધર્યો

લખનૌ, તા.૨૫: કોરોના સંક્રમિત થયા ત્યારે સ્વાદ અને ગંધ જતા રહ્યા હતા? વાયરસ સામે લડતી વખતે સ્ટ્રેસ અને એંગ્ઝાયટિ અનુભવતા હતા? કોરોના સંક્રમિત થયા તેના શરૂઆતના દિવસોમાં પેટ સંબંધિત તકલીફો થઈ હતી? આમાંથી એકપણ અથવા બધા સવાલોનો જવાબ હકારમાં હોય તો પ્રબળ શકયતા છે કે, સંક્રમણ બાદ તમે ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમ (IBS)નો ભોગ બનો અથવા લાંબાગાળાની પેટની તકલીફો રહે. આ વાત હાલમાં અને કદાચ દુનિયામાં થયેલા આ પ્રકારના સૌથી પહેલા સ્ટડીમાં સામે આવી છે.

લખનૌ સ્થિત સંજય ગાંધી પોસ્ટગ્રેજયુએટ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ (SGPGI)ના સંશોધકો તેમજ બાંગ્લાદેશના વૈજ્ઞાનિકોએ સાથે મળીને આ સ્ટડી હાથ ધર્યો હતો. સ્ટડીના તારણો દ્વારા સફળતાપૂર્વક જાણવા મળ્યું છે કે, કોવિડના દર્દીઓમાં સાજા થયા પછી પણ IBSની હાજરી જોવા મળે છે. ઉપરાંત IBSના લીધે શું જોખમ રહેલું છે તેનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો.

આ સ્ટડી લખનૌના SGPGI ગેસ્ટ્રો એન્ટ્રોલોજી વિભાગના પ્રોફેસર ઉદય દ્યોષાલ, SGPGIના માઈક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના હેડ પ્રોફેસર ઉજ્જલા ઘોષાલ અને બાંગ્લાદેશની શેખ રસેલ નેશનલ ગેસ્ટ્રોલિવર ઈન્સ્ટીટ્યૂટ એન્ડ હોસ્પિટલના ગેસ્ટ્રો એન્ટ્રોલોજી ડિપાર્ટમેન્ટ અને મુગડા કોલેજ તેમજ ઢાકા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના મેડિસિન ડિપાર્ટમેન્ટના વડપણ હેઠળ કરવામાં આવ્યો હતો. શેખ રસેલ હોસ્પિટલના ડો. એમ મસુદુર રહેમાન બાંગ્લાદેશથી જોડાનારા મુખ્ય સંશોધક હતા.

૨૦૨૦માં મહામારી શરૂ થઈ ત્યારે અમે અનુમાન આધારિત પુરાવા રજૂ કર્યા હતા અને કોવિડ-૧૯ ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમ તરફ દોરી જશે તેમ જણાવ્યું હતું. આ બાબત અમેરિકન જર્નલ ઓફ ગેસ્ટ્રો એન્ટ્રોલોજીમાં પ્રકાશિત થઈ હતી. હવે આ બાબત ડેટા અને પુરાવા સાથે આપનારા અમે દુનિયાના પહેલા સંશોધકો છીએ, બાકીની દુનિયા હજી પણ અનુમાનને આધારે કામ કરી રહી છેઙ્ખ, તેમ મુખ્ય સંશોધક પ્રોફેસર ઉદય ઘોષાલે જણાવ્યું.

આ સ્ટડી માટે કોરોનાના ૨૮૦ દર્દી અને ૨૬૪ સ્વસ્થ વ્યકિતઓને પસંદ કરવામાં આવ્યા હતા. આ તમામને એક, ત્રણ અને છ મહિનાના સમયગાળે સવાલો પૂછવામાં આવ્યા હતા અને ફોલોઅપ લેવાયું હતું.

(9:35 am IST)