Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

બેંકોનાં ખાનગીકરણ-પેન્શન ફંડ અંગેના ખરડા લવાશે

સંસદના શિયાળુ સત્રમાં સરકાર બે મહત્વના ખરડા લાવવાની તૈયારીમાં : બેંકોના ખાનગીકરણથી રૂ. ૧.૭૫ લાખ કરોડ એકઠા કરવા નાણામંત્રીએ બજેટમાં જાહેરાત કરી હતી

નવી દિલ્હી,તા. ૨૫ : સરકાર સંસદના શિયાળુ સત્રમાં બે મહત્વપૂર્ણ નાણા વિધેયકો લાવી શકે છે. જેમાંથી એક સરકારી બેંકોના ખાનગીકરણ અંગેનો છે. આ ખાનગીકરણથી જાહેરાત નાણા પ્રધાન સીતારમણે આ વર્ષના પોતાના બજેટ ભાષણમાં કરી હતી. આ ઉપરાંત સરકાર પેન્શન ફંડ નિયામક અને વિકાસ ઓથોરીટી (પીએફઆરડીએ) કાયદો, ૨૦૧૩માં સુધારા અંગેનું વિધેયક પણ આ સત્રમાં જ લાવી શકે છે. તેનો ઉદેશ પીએફઆરડીએને નેશનલ પેન્શન ટ્રસ્ટથી અલગ કરીને પેન્શન કવરેજનો દાયરો વ્યાપક કરવાનો છે.

સુત્રોએ જણાવ્યું કે સરકાર બેકીંગ રેગ્યુલેશન કાયદો ૧૯૪૯માં સુધારાનું વિધેયક આ સત્રમાં લાવી શકે છે. બેંકોના ખાનગીકરણ માટે આ ઉપરાંત બેકીંગ કંપનીઝ (એકવીઝીશન એન્ડ ટ્રાન્સફર ઓફ અન્ડરટેકીંગ) એકટ ૧૯૭૦ અને બેકીંગ કંપનીઝ  (એકવીઝીશન એન્ડ ટ્રાન્સફર ઓફ અન્ડરટેકીંગ) એકટ ૧૯૮૦માં પણ સુધારાની જરૂર પડશે અને તેની સાથે સંકળાયેલા વિધેયકો પણ લાવી શકાય છે. સુત્રોએ કહ્યુ કે આ બન્ને કાયદાઓએ ભૂતકાળમાં બે તબક્કામાં બેંકોના રાષ્ટ્રીકરણનું કામ કર્યું હતુ અને હવે બેંકોને જો ખાનગી હાથોમાં સોંપવી હોય તો આ કાયદાઓમાં સુધારો કરવો પડશે.

સંસદનું લગભગ એક મહિનો ચાલનારૂ શિયાળુ સત્ર આવતા મહિનાના અંતમાં શરૂ થઇને ડીસેમ્બરના ત્રીજા સપ્તાહ સુધી ચાલવાની આશા છે. પુરક અનુદાન માંગો અંગેનું વિધેયક પણ આ સત્રમાં જ લવાશે.

૨૦૨૧-૨૨નું બજેટ રજુ કરતા નાણા પ્રધાને સરકારી બેંકોનું ખાનગીકરણ કરીને ૧.૭૫ લાખ કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય રાખ્યુ હતું. તેના માટે આઇડીબીઆઇ બેંક ઉપરાંત બે બેંકો અને એક જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના ખાનગીકરણ માટે સરકારે ઓગસ્ટમાં સંસદના ચોમાસુ સત્રમાં જનરલ ઇન્સ્યોરન્લ બીઝનેસ (નેશનલાઇઝેશન) એમેન્ડમેન્ટ બીલ ૨૦૨૧ પસાર કરાવી લીધુ છે.

(10:25 am IST)