Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

જો શાહરૂખ ખાન બીજેપીમાં સામેલ થાયઃ તો ડ્રગ્સ પણ શુગર પાઉડર બની જશેઃ છગન ભુજબલ

મુન્દ્રા બંદર પર જપ્ત ૩,૦૦ કિલો હેરોઇન મામલે તપાસ કરવાને બદલે, એનસીબી શાહરૂખ ખાનની પાછળ પડી છે

મુંબઇ,તા. ૨૫: મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબલે ભાજપ પર બમણું ચરિત્ર અપનાવવાનો આરોપ મૂકતા દાવો કર્યો છે કે જો અભિનેતા શાહરુખ ખાન ભાજપમાં સામેલ થાય. તો ડ્રગ્સ પણ શુગર પાઉડર બની જશે.

ભુજબલ મુંબઇ ડ્રગ્સ કેસ વિશે વાત કરી રહ્યા હતા, જેમાં શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ કેસમાં મહારાષ્ટ્ર સરકાર સતત NCB પર નિશાન સાધી રહી છે. આ પહેલા મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરે અને તેમની સરકારના મંત્રી નવાબ મલિક પણ એનસીબીની તપાસ પર પ્રશ્નો ઉઠાવી ચૂકયા છે.

એનસીપી નેતા છગન ભુજબલે કહ્યું, ગુજરાતના મુન્દ્રા બંદર પર જપ્ત ૩,૦૦ કિલો હેરોઇન મામલે તપાસ કરવાને બદલે, એનસીબી શાહરુખ ખાનની પાછળ પડી છે. તેમણે કહ્યું, જો શાહરુખ ખાન ભાજપમાં સામેલ થઈ જાય છે, તો ડ્રગ્સ પણ શુગર પાઉડર બની જશે.

આર્યન ખાનની એનસીબીએ ૨ ઓકટોબરના ક્રૂઝ રેવ પાર્ટીમાંથી ધરપકડ કરી હતી. હાલ તે ન્યાયિક અટકમાં છે અને તેમની જામીન અરજી નીચલા ન્યાયાલય દ્વારા ફગાવી દેવામાં આવી છે. મંગળવારે બોમ્બે હાઇકોર્ટમાં તેમની જામીન અરજી પર સુનાવણી થશે.

આર્યન ખાન આર્થર રોડ જેલમાં છે. એનજીપીએસ જેલે આર્યન, તેમના મિત્ર અરબાઝ મર્ચેન્ટ અને મુનમુન ધમેચાની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. ત્રણેયની જામીન અરજી ફગાવતાં સ્પેશિયલ કોર્ટે કહ્યું હતું કે આર્યન ખાનના વોટ્સએપ ચેટથી પ્રથમ દ્રષ્ટ્યા ખબર પડે છે કે તે નિયમિત રીતે ગેરકાયદેસર ડ્રગ્સની ગતિવિધિઓમાં જોડાયેલો હતો અને તે ડ્રગ પેડલર્સના સંપર્કમાં પણ હતો.

(10:45 am IST)