Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

G-૨૩થી મળ્‍યો ‘બોધપાઠ' : કોંગ્રેસને મંજુર નથી પક્ષની ટીકાઃ સભ્‍યપદ વખતે ‘વચન' આપવું પડશે

જાહેર મંચ ઉપરથી પક્ષની નીતિઓ-કાર્યક્રમોમાં કદી ટીકા નહિ કરૂઃ લેવાશે બાંહેધરી

નવી દિલ્‍હી, તા.૨૫: જાહેર મંચો પર તેમના જ પક્ષના નેતાઓ દ્વારા ટીકાનો સામનો કર્યા બાદ કોંગ્રેસે હવે તેનો રસ્‍તો શોધી કાઢયો છે. પક્ષના નેતૃત્‍વ સહિત સંગઠનની ચૂંટણીઓ સહિતના દ્યણા મુદ્દા પર જી-૨૩ ગ્રુપ દ્વારા કોંગ્રેસની ખુલ્લી ટીકા કરી છે તેને ધ્‍યાનમાં લઇને પાર્ટીએ કાર્યકરો નેતાઓ સુધી પાર્ટીની ટીકા ન કરવા માટે વચન માંગ્‍યું  છે. કોંગ્રેસે સ્‍પષ્ટ કર્યું છે કે પાર્ટીની પ્રાથમિક સભ્‍યપદ લેનારાઓએ એક બાંહેધરી આપવી પડશે કે તે જાહેર મંચ પર પાર્ટીની નીતિઓ અને કાર્યક્રમોની ક્‍યારેય ટીકા કરશે નહીં.
કોંગ્રેસના નવા સભ્‍યપદ ફોર્મમાં લખ્‍યું છે, ‘હું બિનસાંપ્રદાયિકતા, સમાજવાદ અને લોકશાહીના સિદ્ધાંતોને પ્રોત્‍સાહન આપવા માટે સબ્‍સ્‍ક્રાઇબ કરું છું. હું, પ્રત્‍યક્ષ કે આડકતરી રીતે, ખુલ્લેઆમ અથવા કોઈપણ રીતે, પાર્ટીની સ્‍વીકૃત નીતિઓ અને કાર્યક્રમોની પક્ષના મંચો સિવાય, પ્રતિકૂળ ટીકા કરીશ નહીં.' તમને જણાવી દઈએ કે કોંગ્રેસનું આ પગલું મીડિયા સાથે વાતચીત કરતી વખતે G-23 નેતાઓ પાર્ટીની ખુલ્લેઆમ ટીકા કરી રહ્યા છે અને પાર્ટીની અંદર ચૂંટણીની માંગણી કરતી વખતે સંગઠનાત્‍મક માળખા પર પણ સવાલ ઉઠાવ્‍યા હતા આ સંદર્ભમાં સામે આવ્‍યું છે.
G-23ના નેતા કપિલ સિબ્‍બલે સપ્‍ટેમ્‍બરમાં કહ્યું હતું કે, પાર્ટીના નેતાઓ અજાણ છે કે પાર્ટીમાં કોણ નિર્ણય લઈ રહ્યું છે કારણ કે પ્રમુખ નથી. તેમણે કહ્યું હતું કે અમારી પાર્ટીમાં કોઈ પ્રમુખ નથી, તેથી અમને ખબર નથી કે આ નિર્ણયો કોણ લઈ રહ્યું છે.  ગુલામ નબી આઝાદે પાર્ટીના વચગાળાના અધ્‍યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની તાત્‍કાલિક બેઠક યોજવાની માંગ કરી હતી. તાજેતરની બેઠક પહેલા, G-23 નેતાઓએ CWC સભ્‍યો, કેન્‍દ્રીય ચૂંટણી સમિતિ (CEC) સભ્‍યો અને સંસદીય બોર્ડની ચૂંટણીઓ માટે ચૂંટણીની માંગ કરી હતી.

 

(11:00 am IST)