Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ભારતની મેચમાં હાર થતા પંજાબમાં કાશ્‍મીરી વિદ્યાર્થીઓ પર હુમલો

તમે પાકિતાની છો એવા સૂત્રોચ્‍ચાર

અમૃતસર, તા.૨૫: ICC T20 વર્લ્‍ડ કપમાં ભારત સામે પાકિસ્‍તાનની જીત બાદ પંજાબની વિવિધ કોલેજોમાં ભણતા કાશ્‍મીરી વિદ્યાર્થીઓ પર હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે. હુમલો કરનારાઓમાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોનો સમાવેશ થાય છે. ‘ફ્રી પ્રેસ કાશ્‍મીર'ના એક અહેવાલ મુજબ, પંજાબના સંગરુરમાં ભાઈ ગુરુ દાસ ઈન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ એન્‍જિનિયરિંગ એન્‍ડ ટેક્‍નોલોજીમાં દ્યણા વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્‍યો હતો. તેમના હોસ્‍ટેલ રૂમ પર પણ  હુમલો કરવામાં આવ્‍યો હતો.
એક વિદ્યાર્થીએ ફેસબુક પર હુમલાનું લાઇવ સ્‍ટ્રીમિંગ પણ કર્યું હતું. વિદ્યાર્થીઓ પર સળિયા અને લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્‍યો હતો. ફ્રી પ્રેસ કાશ્‍મીરે ભાઈ ગુરુ દાસ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ એન્‍જિનિયરિંગ એન્‍ડ ટેકનોલોજીના એન્‍જિનિયરિંગના વિદ્યાર્થી આકિબને ટાંકીને કહ્યું કે ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક વિદ્યાર્થીઓ તેના રૂમમાં દ્યૂસી આવ્‍યા હતા અને તેના પર હુમલો કર્યો હતો.
એ જ કોલેજના અન્‍ય વિદ્યાર્થી શોએબે કહ્યું, ‘અમે અમારી હોસ્‍ટેલના રૂમમાં હતા જયારે અમને બહારથી થોડો અવાજ સંભળાયો. અમે શું થઈ રહ્યું છે તે જોવા ગયા અને બીજા બ્‍લોકમાં કેટલાક લોકો કાશ્‍મીરી વિદ્યાર્થીઓ પર હુમલો કરતા જોયા. તેઓએ રૂમની બારીના કાચ તોડી નાખ્‍યા હતા અને સતત ‘તમે પાકિસ્‍તાની છો'એવું બૂમ પાડી રહ્યા હતા. તેમણે કહ્યું, અમે અમારી જાતને અમારા રૂમમાં બંધ કરી દીધી.
અન્‍ય એક વિદ્યાર્થીએ કહ્યું, ‘સ્‍થાનિક પંજાબીઓ અમારા બચાવમાં આવ્‍યા. તેઓએ અમને આ હુમલાઓથી બચાવવાનો પ્રયાસ કર્યો.' અન્‍ય કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્‍યું કે તેઓએ કોલેજ પ્રશાસન સાથે વાત કરી છે અને તેમને ખાતરી આપવામાં આવી છે કે આ બાબતને ગંભીરતાથી લેવામાં આવશે .ઉલ્લેખનીય છે કે  આ દ્યટનામાં ઓછામાં ઓછા છ કાશ્‍મીરી વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે.
જમ્‍મુ અને કાશ્‍મીર સ્‍ટુડન્‍ટ્‍સ એસોસિયેશનના પ્રવક્‍તા નાસિર ખુહમીએ ફ્રી પ્રેસ કાશ્‍મીરને જણાવ્‍યું હતું કે મેચમાં ભારતની હાર બાદ પંજાબની વિવિધ કોલેજોમાં અભ્‍યાસ કરતા કાશ્‍મીરી વિદ્યાર્થીઓ તરફથી તેમને હેરાન કરતા કોલ આવ્‍યા છે. તેમણે કહ્યું કે, ‘આ હુમલાઓના મને જે વીડિયો મળી રહ્યા છે તે ખૂબ જ હેરાન કરનારા છે.' તેમણે કહ્યું કે, પંજાબ પોલીસે અમને ખાતરી આપી છે કે તેઓ આ મામલામાં તપાસ કરશે અને આ હુમલાઓમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરશે.


 

(10:59 am IST)